Lavingji Thakor Letter: રાજ્યમાં ગઇકાલેથી કમોસમી વરસાદે વિનાશ નોતર્યો છે. રાજ્યમાં 220 તાલુકાઓમાં માવઠાએ ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. શિયાળાની ઋતુમાં ચોમાસાની જેમ વરસેલા વરસાદે સૌથી મોટુ અને સૌથી વધુ નુકસાન ખેડૂતોને પહોંચાડ્યુ છે. હવે ખેડૂતોને ઉભા પાકની સામે વળતર આપવાની માંગ રાજ્યમાં ઉઠી છે, આ કડીમાં ભાજપના જ ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.


રાજ્યમાં માવઠાના માહોલ જામ્યો છે, રાજ્યમાં 220થી વધુ તાલુકાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે, ભારે પવન અને ધોધમાર વરસાદથી ખેતરો પાણી પાણી થયા છે. એકબાજુ રાજ્યમાં ઠંડક પ્રસરી છે તો બીજીબાજુ ખેડૂતોને પાક બળીને ખાખ થઇ ગયો છે. આ મુદ્દે હવે પાટણ જિલ્લાના રાધનપુરના ભાજપના જ ધારાસભ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને મદદ કરવા માટે માંગ કરી છે. 




રાધનપુરાના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે, તેમને માંગ કરી છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે. મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેના કારણે રવિ પાક જેવા કે જીરું, ઇસબગુલ, એરંડા, સવા સહિત પાકોમાં માવઠામાં ધોવાયા છે. આ તમામ મુદ્દે તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવા રજૂઆત છે. રાધનપુર ધારાસભ્ય લવિંગ ઠાકોર દ્વારા પત્ર સમી, સાંતલપુર, રાધનપુર તાલુકામાં સર્વે કરી સહાય આપવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લામાં પણ ગઇકાલથી કરા સાથે માવઠુ થયુ હતુ જેમાં રવિ પાકોને મોટુ નુકસાન પહોંચ્યુ છે. 


માવઠાથી રાજ્યમાં ખેતીને ભારે નુકસાન, વળતર આપવાની ખેડૂતોની માંગ


રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક જિલ્લાઓમાં માવઠાથી ખેડૂતોને વ્યાપકપણે નુકસાન થયાની આશંકા છે. જીરૂ, વરિયાળી, રાયડો, ઘઉંના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. કમોસમી વરસાદથી ખેતરમાં રહેલા શિયાળુ પાકને નુકસાનની ભીતી સેવાઈ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં કપાસ, ઘઉં, મગફળી જેવા પાકનું વાવેતર થયેલું છે. જ્યાં વરસાદ વરસતા ખેડૂતોને પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની આશંકા છે. ભર શિયાળે ખેડૂતોનાં ખેતરમાં વરસાદી પાણી ભરાયા હતા. ચણા, ધાણા, લીલા શાકભાજીના પાકને પણ ભારે નુકસાન થયું છે. અનેક ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને મોટાપાયે નુકસાન જશે. ખેડૂતોએ કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનું વળતર આપવાની પણ માંગ કરી હતી.


સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલી, રાજકોટ, ગીર સોમનાથમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. માવઠાથી સૌરાષ્ટ્રમાં કૃષિ પાકને નુકસાન થયું છે. વીજળી પડતા દક્ષિણ ગુજરાતમાં ત્રણના મોત થયા હતા. વીજળી પડતા નવ લોકો દાઝતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કપાસ, ગુવાર, શેરડી, નાગલી, સ્ટ્રોબેરીના પાકને ભારે નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં વીજળી પડવાની ઘટનામાં ચારના મોત થયા છે. 30થી વધુ પશુઓના મોત થયા છે.


ઉચ્છલ તાલુકામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.  કુકરમુંડામાં ચાર ઈંચ, નિઝરમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉચ્છલ, સોનગઢ, વ્યારામાં સવા સવા ઈંચ વરસાદ વરસ્યો હતો.  માવઠા વચ્ચે રાજ્યમાં વીજળી કહેર બનીને ત્રાટકી હતી. રાજ્યમાં વીજળી પડવાની 18 લોકોના મોત થયા હતા. કેટલાક જિલ્લામાં વીજળી પડતા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વીજળી પડવાથી ઉત્તર-મધ્ય ગુજરાતમાં ચાર- ચાર અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ-ત્રણના મોત થયા હતા. અમદાવાદ અને ખેડા જિલ્લામાં પણ એક-એક વ્યક્તિનું મોત થયું છે. દાહોદના વાંદરમાં વીજળી પડતા એકનું મોત થયું છે. ગઈકાલ સાંજે વૃક્ષ નીચે ઉભેલ વ્યક્તિ પર વીજળી પડી હતી. વીજળી પડતા બાબુભાઈ બારીયાનું ઘટનાસ્થળે મોત થયું હતું.