ગીર સોમનાથ: સાસણ ગીર તેની કેરી અને સિંહ માટે પ્રખ્યાત છે. સિંહ દર્શન માટે ગર વર્ષે અહીં હજારો લોકો આવે છે. પરંતુ આ સમયે સાસણ ગીર બીજી રીતે ચર્ચામાં આવ્યું છે. સાસણ નજીક નજીક એક ફાર્મ હાઉસમાં ચાલતા કૂટણખાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગીર સોમનાથ LCBએ ડમી ગ્રાહક મોકલી ફાર્મ હાઉસમાં દરોડો પાડ્યો હતો. ભોજદે ગીરના રુદ્ર ફાર્મ હાઉસ પર દરોડો પાડવામાં આવતા સુરતના 02 દલાલ તેમજ સ્થાનિક મેંદરડા, વિસાવદરના 02 મળી કુલ 04 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે, હાલમાં ફાર્મ હાઉસનો માલિક ફરાર છે. આરોપીઓ ફાર્મમાં બહારથી રૂપલલના બોલાવી દેહ વિક્રયનો વેપલો ચલાવતા હતા. LCB પોલીસે ઇમોરલ ટ્રાફીક પ્રીવેન્શન્શન એકટ ૧૯૫૬ની કલમ ૩,૪,૫, મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


મંત્રી ન હોવા છતા ગાંધીનગરમાં સરકારી બંગલામાં રહે છે પૂર્વ મંત્રીઓ, કોંગ્રેસે કર્યા આકરા પ્રહારો


અમદાવાદ:  રાજ્યના પૂર્વ મંત્રીઓને ગાંધીનગરમાં ફાળવવામાં આવેલા બંગલાઓને લઈને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો મનીષ દોશીએ આ અંગે ઘણા આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, 15 પૂર્વ મંત્રીઓને સરકારી બંગલા ફાળવવામાં આવ્યા છે. રૂપિયા 4800 જેવા નજીવા ભાડે આ બંગલા ફાળવવામાં આવ્યા છે. 


મનિશ દોષીએ કહ્યું કે, પૂર્વ મંત્રીઓના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે આ સરકારી બંગલા ફાળવવામાં આવ્યા હોવાનો તર્ક આપવામાં આવ્યો છે. જો કે હકિકત એ છે કે, એક પણ પૂર્વ મંત્રીના સંતાન ગાંધીનગરમાં અભ્યાસ કરતા નથી. રૂપાણી સરકારમાંથી પડતા મુકાયેલા પૂર્વ મંત્રીઓને આ બંગલા ફાળવ્યા છે. સરકાર પૂર્વ મંત્રીઓ પાસેથી સરકારી બંગલા પાછા મેળવે તેની દોશીએ માગ કરી છે. નીતિન પટેલ, ભપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, ઈશ્વર પરમાર, ગણપત વસાવા, જયેશ રાદડીયા, પ્રદિપસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમાર,પરસોતમ સોલંકી, ઈશ્વરસિંહ પટેલ, વાસણ આહીર, વિભાવરીબેન દવે, રમણલાલ પાટકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કુંવરજી બાવળિયાના બંગલા પાછા લેવા માગણી કરવામાં આવી છે. આ અંગે મનીષ દોશીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો છે.


પાટીદાર અને કોળી સમાજ બાદ હવે ચૂંટણી પહેલા આ સમાજ થયો સક્રિય, રાજકોટમાં કર્યું મોટું આયોજન
રાજકોટ: 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં અલગ અલગ સામાજિક સંગઠનો સક્રિય થવા લાગ્યા છે. પાટીદાર અને કોળી સમાજ બાદ હવે લોહાણા સમાજ પણ સક્રિય થયો છે. રાજકોટની હાઇપ્રોફાઈલ પશ્ચિમ બેઠકમાં રઘુવંશી મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. રાજકોટમાં આજે રઘુવંશી સમાજની ક્રાંતિયાત્રા યોજાશે. સમાજની એકતા અર્થે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્સથી આ યાત્રાનો સવારે 9 વાગ્યે પ્રારંભ થશે. આ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે અને ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવશે. સમાજની બહુમતીને લઇને એકતા અર્થે આ યાત્રાનું આયોજન થયું છે. આ યાત્રામાં સમાજના રાજકીય સહીત સામાજિક અગ્રણીઓ જોડાશે. લોહાણા સમાજના રાજકીય સામાજિક, ઔધોગિક અને વેપારી સનગઠનોના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.