ગાંધીનગર: તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી/ઉનાળુ પાકને થયેલ નુકશાન, માછીમારોને થયેલ નુકશાન, અસરગ્રસ્‍ત વિસ્‍તારોના રસ્‍તાઓને થયેલ નુકસાન અંગે તુરત જ સર્વે કરાવવા તથા સમગ્ર વિસ્‍તારોમાં ખોરવાયેલ વીજપુરવઠો પૂર્વવત્  ચાલુ કરાવવાને લઈ નેતા વિપક્ષ પરેશ  ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. 



નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પત્રમાં લખ્યું,  અરબી સમુદ્રમાંથી  આવેલ તૌકતે વાવાઝોડું તા. ૧૭-પ-ર૦ર૧ના રોજ દક્ષિણ અને સૌરાષ્‍ટ્રના દરિયાકિનારે અતિ તીવ્રતાથી ત્રાટકેલ, જેના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તથા સૌરાષ્‍ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર સહિતના જિલ્લાઓ ભયાનક વાવાઝોડાથી અતિશય પ્રભાવિત થયેલ છે અને અત્‍યંત તારાજી સર્જી છે. જેના કારણે અસરગ્રસ્‍ત જિલ્લાઓ અને ખાસ કરીને દરિયાઈ તટવાળા જિલ્લાઓમાં ખૂબ જ નુકશાન થયેલ છે.


જેમાં મુખ્‍યત્‍વે


(૧) ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વીજળીના થાંભલાઓ તથા ટ્રાન્‍સફર્મર ભારે વાવાઝોડા અને વરસાદના કારણે જમીનદોસ્‍ત થઈ ગયેલ છે, જેનાથી દરિયાઈપટ્ટીના અસરગ્રસ્‍ત જિલ્લાઓમાં અંધારપટ છવાઈ ગયેલ છે. વીજળી ન હોવાના કારણે પીવાના પાણીના વિકટ પ્રશ્નો ઉભા થયા છે.


(૨) રાજય ધોરીમાર્ગ અને ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાઓ ઉપર ભારેખમ વૃક્ષો પડી જતાં વાહનવ્‍યવહાર ખોરવાયેલ છે, ૨૪ કલાક કરતાં વધુ સમય થયો હોવા છતાં અનેક ગામોનો સંપર્ક હજુ પણ થઈ શકયો નથી.


(૩) ખેડૂતોના આંબા, નાળિયેરી, કેળા, જાંબુ, પપૈયા, ચીકુ, દાડમ, ખારેક વિગેરે બાગાયતી પાક સંપૂર્ણપણે નાશ પામેલ છે તેમજ ઉનાળુ પાક જેવા કે, તલ, બાજરી, જુવાર, અડદ, મગ, શાકભાજી વિગેરે ખેતરમાં તૈયાર થઈ ગયેલ હતા તે પણ ભારે પવન અને વરસાદના કારણે સંપૂર્ણપણે નાશ પામેલ છે. બાગાયતી પાકોમાં ખાસ કરીને આંબા, નાળીયેરી અને કેળના પાક સાથે વાવાઝોડાના કારણે ઝાડ ૧૦૦% તૂટી પડેલ છે.


(૪) દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠા વિસ્‍તારમાં આવેલ કાચા-પાકા મકાનો અને ઝૂંપડાઓ વાવાઝોડામાં ભારે પવનના કારણે પડી પડેલ છે અને વરસાદના કારણે ઘરવખરીનો સામાન પણ પાણી પડવાથી પલળીને નાશ પામેલ છે.
 
(૫) ભારે વાવાઝોડામાં પવનના કારણે વૃક્ષ પડવા, દિવાલ પડવા કે અન્‍ય કારણોસર માનવ અને પશુઓના અકુદરતી રીતે મૃત્‍યુ પણ થયેલ છે.


(૬) પશુપાલકો અને માલધારીઓએ કાચા-પાકા છાપરાઓમાં સંગ્રહ કરેલ ઘાસચારો પણ છાપરાઓ તુટી પડેલ છે અને ભારે પવનના કારણે ઉડી ગયેલ છે અને બચેલ ઘાસચારો વરસાદના કારણે પલળી ગયેલ છે. 


(૭) માર્કેટ યાર્ડ બંધ હોવાના કારણે ખેતીની જણસ ખેડૂતોના ઘરમાં હતી તે ભારે વરસાદના કારણે પલળી ગયેલ છે.



તૌકતે વાવાઝોડાની ભયાનકતા તથા કસમયે પડેલ ભારે વરસાદના કારણે રાજ્‍યના ખેડૂતો, માછીમારો, માલધારીઓ સહિત મોટી સંખ્‍યામાં નાગરિકો બેહાલ થઈ ગયેલ છે. ખાસ કરીને ગીર-સોમનાથ, જુનાગઢ અને અમરેલી જિલ્લામાં કેસર કેરીના પાકનો સંપૂર્ણપણે સફાયો થઈ જતાં આવા બાગાયતી પાક ઉપર નભતા ખેડૂતો પાયમાલ થઈ ગયેલ છે. આથી, સરકારશ્રી કક્ષાએથી તુરત જ ટીમો બનાવી, યુદ્ધના ધોરણે સર્વે કરાવવા અને કૃષિ ક્ષેત્રે થયેલ નુકશાનીનો સાચો સર્વે થાય અને અસરગ્રસ્‍તોને નુકશાનીનું પુરેપુરું વળતર ચુકવાય તે ખૂબ જ જરૂરી છે.


 


(૧) કેરી, નાળિયેર, કેળા, ચીકુ, પપૈયા, દાડમ, ખારેક વિગેરે બાગાયતી પાકોને ઝાડ પડી જવા સહિત થયેલ નુકશાનીનું વળતર તાત્‍કાલિક ચુકવવું.


(૨) ઉનાળુ પાક તલ, બાજરી, જુવાર, અડદ, મગ, શાકભાજી, શેરડી વિગેરે પાકોના નુકશાનીનું વળતર તાત્‍કાલિક ચુકવવું.


(૩) માર્કેટ યાર્ડ બંધ હોવાથી જે ખેડૂતોની ખેતી જણસ ઘરમાં હતી અને તે ભારે વરસાદથી પલળી ગયેલ છે તેવા ખેડૂતોને તાત્‍કાલિક નુકસાની વળતર ચૂકવવું.


(૪) કાચા-પાકા મકાનો અને ઝૂંપડાઓ જમીનદોસ્‍ત થયેલ છે તેવા અસરગ્રસ્‍ત પરિવારોને તાત્‍કાલિક કેશડોલ્‍સ સહાય અને વળતર સહાય ચુકવવી.


(૫) દરિયાકાંઠા વિસ્‍તારમાંથી તથા અન્‍ય વિસ્‍તારોમાંથી જે લોકોનું સ્‍થળાંતર કરી શેલ્‍ટર હોમમાં કે અન્‍ય જગ્‍યાએ રાખવામાં આવેલ છે તેઓને નિયમોનુસાર કેશડોલ્‍સની ચુકવણી કરવી.


(૬) માનવ તથા પશુઓના થયેલ મૃત્‍યુની નિયમોનુસાર મૃત્‍યુ સહાય ચુકવવી.


(૭) ભારે પવનના કારણે માછીમારોની બોટ દરિયામાં તણાઈ ગયેલ છે અને ઘણી બોટોને નુકસાન પણ થયેલ છે તેવી બોટોને થયેલ નુકશાનીનું પૂરેપુરુ વળતર ચુકવવું અને તમામ માછીમારો હાલ માછીમારી કરી શકે તેવી સ્‍થિતિમાં ન હોવાથી તેઓને દૈનિક ધોરણે કેશડોલ્‍સની ચુકવણી કરવી.


(૮) રાજય ધોરીમાર્ગ તથા ગ્રામ્‍ય વિસ્‍તારોના ગાડા માર્ગ વિગેરે ભારે વરસાદના કારણે તૂટી ગયેલ છે તથા વૃક્ષો પડી જતા રસ્‍તાઓ સદંતર બંધ થઈ ગયેલ છે, સદર રસ્‍તાઓ ખુલ્લા કરાવીને તાત્‍કાલિક વાહનવ્‍યવહારલાયક કરાવવા.


(૯) ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારોમાં મોટાભાગના વીજળીના થાંભલાઓ અને ટ્રાન્‍સફર્મર પડી ગયેલ છે જેથી વીજપુરવઠો પૂર્વવત્  ચાલુ થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરાવવી.


(૧૦) ભારે વરસાદના કારણે નદી નાળા છલકાવવાથી ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારોમાં અવાવરૂ જગ્‍યાએ પાણી ભરાયેલ હોય ત્‍યાં ગંદકીનો ઉપદ્રવ ન થાય અને રોગચાળો ન ફેલાય તેની તકેદારી માટે સમગ્ર રાજયમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરાવીને રોગચાળો ફેલાતો અટકાવવો.


રાજયમાં તૌકતે વાવાઝોડાથી કૃષિ ક્ષેત્રે પશુધન સહિત બાગાયતી અને ઉનાળુ પાકને થયેલ નુકસાની, કાચા-પાકા મકાનોનું નુકસાની વળતર, સ્‍થળાંતર કરેલ લોકોને કેશડોલ્‍સ તેમજ માનવ અને પશુ મૃત્‍યુ સહાય વગેરે અંગે યુદ્ધના ધોરણે સાચો સર્વે કરાવી, અસરગ્રસ્‍તોને થયેલ નુકસાનીનું પૂરેપૂરું વળતર ચૂકવવામાં આવે અને રાજ્‍યમાં ખોરવાયેલ વીજપુરવઠો પૂર્વવત્  થાય અને વાહનવ્‍યવહાર પુનઃ ધમધમતો થાય તેવી કાર્યવાહી કરાવવા મારી વિનંતી સહ ભલામણ છે.