અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના પ્રકોપની વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્યમાં 12 જિલ્લાઓ એવા છે જ્યાં હવે 10થી પણ ઓછા એક્ટિવ કેસ છે. જેથી આ જિલ્લાઓ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. ઉપરાંત ગુરુવારે ગુજરાતનો ડાંગ જિલ્લો કોરોનામુક્ત થયો છે અને હવે ત્યાં એક પણ કોરોનાનો એક્ટિવ કેસ નથી.


૧૨ જિલ્લાઓમાં ૧૦થી ઓછા એક્ટિવ કેસો છે તેમાં આણંદ, બોટાદ, અમરેલી, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, મોરબી, નર્મદા, પોરબદર, તાપી, ગીર સોમનાથ અને જામનગરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત રિકવરી રેટમાં પણ આગળ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૨,૨૧૨ દર્દીઓ રિકવર થયા છે અને રાજ્યનો રિકવરી રેટ ૬૮.૦૯ ટકા છે, જ્યારે દેશનો રિકવરી રેટ ૪૭.૯૯ ટકા છે.

5 જૂનના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 33 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ-28, બોટાદ, કચ્છ, પાટણ અને વલસાડમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1155 પર પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 12667 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 4779 એક્ટિવ કેસ છે જેમાં 68 વેલ્ટીલેટર પર છે અને 4711 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 33 હજાર 921 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 220695 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 213262 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા 7433 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.