અમરેલી: સાવરકુંડલાના આંબરડી ગામની બજારમાં સિંહો જોવા મળતા ફફડાટ ફેલાયો છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બે બચ્ચાં સાથે એક સિંહણ શિકારની શોધમાં ગામની અંદર આવી ચડી હતી. સિંહણના આવવાથી ગામની શાક માર્કેટ સામે આરામ ફરમાવી રહેલ રેઢિયાળ પશુઓના ટોળામાં ભાગ દોડ મચી ગઈ હતી. વહેલી સવારે પોણા પાંચ વાગ્યે બનેલ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. નોંધનિય છે કે, આંબરડી ગામે સિંહો અવાર નવાર ગામમાં ઘૂસી આવી  પશુઓનો શિકાર કરે છે. તો બીજી તરફ જાણકાર લોકોનું કહેવું છે કે, જંગલમાં શિકાર ઓછો મળતો હોવાથી સિંહ ગામ તરફ આવવા લાગ્યા છે.


 




Gujarat Rain : ઉમરગામમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ ખાબક્યો, વલસાડ-વાપીમાં 4 ઇંચ


ગાંધીનગરઃ છેલ્લા ૨૪ કલાકમા રાજ્યના ૮૭ તાલુકાઓમા વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામા ૬ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત વલસાડ જિલ્લાના વલસાડ અને વાપી તાલુકામા ૪ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામા પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. તો વલસાડ જિલ્લાના પારડી તાલુકામા ૩ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય ૧૨ તાલુકામા ૧ થી ૩ ઈંચ વરસાદ વરસ્યો હતો. 


વલસાડ જિલ્લામાં ગઈ કાલે મન મૂકીને મેઘરાજા વરસ્યા હતા.  વહેલી સવારે જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે વરસાદના કારણે વલસાડ પાણી-પાણી થયું છે. સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામ તાલુકામાં વરસ્યો છે.  બપોરના 4 વાગ્યા સુધીમાં ઉમરગામમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. વલસાડ શહેર અને વાપીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.  જ્યારે પારડીમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. મૂશળધાર વરસાદને લઈ નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા હતા. 


પારડી ઓવરબ્રિજ  પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.  પારડી પોલીસે ઓવરબ્રિજ પર ભરાયેલા પાણી દૂર કરવા પરસેવો પાડવો પડ્યો.  હાઈવે ઓથોરિટીની નબળી કામગીરીને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.  ધોધમાર વરસાદને લઈ વલસાડ શહેરમાં ઠેકઠેકાણે ઘૂંટણસમા પાણી ભરાયા હતા.  શહેરના અબ્રામા વિસ્તારની ખંદાર નગરમાં તો લોકોના ઘરમાં ઘૂસી ગયા વરસાદી પાણી. જેને લઈ ઘરવખરીને નુકસાન થયું છે.  રહીશોના મતે દર ચોમાસે અહીં પાણી ભરાય છે.  રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  વલસાડ જિલ્લાની ઔરંગા નદી સહિત અન્ય નદીઓમાં નવા નીર આવ્યા છે.