સુરતઃ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી પછી મંત્રી એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના 30 ધારાસભ્યો સુરતની લી મેરિડિયન ખાનગી હોટલમાં રોકાયા છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપનો પાંચમો ઉમેદવાર જીત્યો તેમાં શિવસેના સહિતના સત્તાધારી પક્ષના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની આશંકા છે. બીજી તરફ શિવ સેનાએ એકનાથ શિંદે સામે મોટી કાર્યવાહી કરી છે અને તેમને વિધાનસભા પક્ષના નેતા પદેથી દૂર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અજય ચૌધરીને વિધાનસભામાં પક્ષના નેતા બનાવી દેવામાં આવ્યા છે. આ સમાચાર એએનઆઈ તરફથી આપવામાં આવ્યા છે.
હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાત આવી રહ્યા છે. આ સમાચાર સૂત્રોના હવાલાથી આવ્યા છે. એવા પણ સમચાાર સામે આવી રહ્યા છે કે, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ આજે સાંજે અમદાવાદ આવી રહ્યા છે. મહારાષ્ટ્રના ભાજપના તમામ ધારાસભ્યોને અમદાવાદ લવાશે તેવી પણ જાણકારી સામે આવી રહી છે. આ સાથે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના પણ પાંચ ધારાસભ્યો સંપર્ક વિહોણા બન્યા હોવાના અહેવાલો છે.
સૂત્રો પ્રમાણે, આજે સાંજે અમદાવાદની એક હોટલમાં અમિત શાહ અને જે.પી. નડ્ડાની એકનાથ શિંદે સાથે બેઠક થઈ શકે છે. આ બેઠકમાં ફડણવીશ પણ હાજર રહેશે.
દરમિયાન એક ધારાસભ્ય નીતિન દેશમુખને આજે સવારે 4:00 સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તબિયત બગડતા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સ્પેશ્યિલ રૂમ નંબર 15માં સારવાર હેઠળ છે. નવી સિવિલ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મીડિયાને રૂમ સુધી જતા રોકવામાં આવ્યા છે.
બીજી તરફ મહારાષ્ટ્રના દિગ્ગજ ગુજરાતી નેતા કિરીટ સોમૈયાએ ઉદ્ધવ સરકારના 12 વાગવાના નક્કી હોવાનો દાવો કર્યો છે. ટ્વીટ કરીને લખ્યું છે કે, શિવસેના (માફિયા સેના)ને 52 મત મળ્યા 12 મત ફૂટ્યા 9 55 શિવસેના+ 9 સમર્થક= 64). ઉદ્ધવ ઠાકરે સરકારના 12 વાગવાનું નક્કી. આ ટ્વીટ તેમણે મરાઠીમાં કર્યું છે. આ પછી તેમણે અંગ્રેજીમાં પણ ટ્વીટ કર્યું છે.
શિવસેનાથી નારાજ એકનાથ શિંદે સહિત 30 ધારાસભ્યો સોમવારની સાંજથી સંપર્ક વિહોણા બન્યા હતાં. જે સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં રોકાયા છે. જેને પગલે હોટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચુંટણીમાં બાદ શિવસેનામાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. અસંતુષ્ટ ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા છે. રાજકીય રીતે કોઈ મોટી ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણ, એકનાથ શિંદે સાથે પાલઘરના ધારાસભ્ય શ્રીનિવાસ વનગા, અલીબાગના ધારાસભ્ય મહેન્દ્ર દલવી, ભિવંડી ગ્રામીણના ધારાસબ્ય શાંતારામ મોરે સહિતના ધારાસભ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે મળતી વધુ વિગતો પ્રમાણે, પહેલા 11 ધારાસભ્યો બાય રોડ સુરત પહોંચ્યા હતા. અંદાજીત મોડી રાત્રે દોઢ વાગ્યે એકનાથ શિંદે સુરત પહોંચ્યા હતા. બીજી તરફ ધારાસભ્યોએ સુરતમાં ધામા નાંખતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તાત્કાલિક બેઠક બોલાવી છે. બપોરે 12 વાગ્યે ધોરાસભ્યો સાથે ઉદ્ધવ ઠાકરેની બેઠક મળશે. મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેનાના ધારાસભ્યો માટે મોડી રાતેર પોલીસ પ્રોટેક્શન મંગાયું હતું. વહેલી સવારથી જ સુરત પોલીસે લી મેરિડિયન હોટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. હોટલ બહાર મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત છે. હોટલમાં અન્ય કોઈ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ધારાસભ્ય ઉદયસિંહ રાજપૂતનો ફોન આઉટ ઓફ રેન્જ આવી રહ્યો છે. પ્રકાશ આંબીડકરનો ફોન નોટ રિચેબલ આવી રહ્યો છે. અબ્દુલ સત્તાનો મોબાઇલ પણ ફોન નોટ રિચેબલ આવી રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી શુંભુરાજ દેસાઈનો ફોન નોટ રિચેબલ આવી રહ્યો છે. ઉદ્ધવ સરકારની ઉલટી ગણતરી શરૂ થયાનો કિરીટ સોમૈયાનો દાવો છે. બીજી તરફ શરદ પવારે દિલ્લીમાં બેઠક બોલાવી છે. સરકારના સાથી પક્ષ એનસીપીએ દિલ્લીમાં બેઠક બોલાવી છે.