મહેસાણાના બહુચરાજીના વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી છે તો પાટણ જિલ્લામાં પણ વરસ્યો ભારે વરસાદ ખાબક્યો હતો. પાટણના આસપાસના ગામોમાં વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકશાન થયું હતુ. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના પણ અલગ અલગ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. મોડાસા, મેઘરજ, અને શામળાજી પંથકમાં ભારે વરસાદ નોંધાયો હતો. દધાલિયા, જંબુસર, ઉમેદપુર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદથી પાકને નુકસાન થયું હતું.
સાબરકાંઠા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વિજયનગર પંથકમાં વરસાદ વરસ્યો. વિજયનગરના બાલેટા, ગાડી વકડાં, કોડિયાવાડાં, દઢવાવ, ચિઠોડામાં વરસાદ ખાબક્યો હતો તો વડાલી શહેર અને આજૂબાજૂના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.
સુરત ગ્રામ્યમાં વરસેલા વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતાં. માંડવીમાં 2 ઈંચ વરસાદને લઈ મુજલાવ ગામે વાવ્યા ખાડીનો લોલ લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. આણંદમાં પણ વરસાદી ઝાપટું વરસ્યું હતું. મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો અને ઝડપી પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસ્યો હતો.
રવિવાર સાંજે અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વિઝિબિલિટી ઓછી થઈ ગઈ અને બાદમાં વરસાદ શરૂ થયો હતો જેમાં સૌથી વધુ વરસાદ સરખેજમાં પોણા ચાર ઈંચ ખાબક્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતાં. સરખેજની સાથે ખાડિયા, રાયપુર, કાલુપુર, સરસપુર, માણેકબાગ, થલતેજ, સતાધાર, નવરંગપુરા, નારણપુરા, પ્રહલાદનગર, આનંદનગર, શિવરંજની, પંચવટી, સીટીએમ, પાલડી, સાબરમતી,ચાંદખેડા સહીતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો.
હવામાન વિભાગની આગાહી મુજબ અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. બોટાદ જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ગઢડા અને રાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસ્યો. ગઢડા, અડતાળા, લાખણકા, ઈશ્વરિયા સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો. વરસાદના કારણે કપાસના પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે તો ઉપરવારમાં વરસાદના કારણે સુખભાદર ડેમના બે દરવાજા ખોલાતા ભાદર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.
લાંબા વિરામ બાદ લખતરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો જેના કારણે બજારોમાંથી પાણી વહેતા થયા હતાં. સૂસવાટા ભેર પવન સાથે પોરબંદરના બરડા પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. બરડાના ભોમિયાવદર અને પારાવાડા સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જ્યારે કુણવદર, મોરાણા અને સીમર સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો.
જૂનાગઢના માળિયા હાટીનામાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતાં. આ સાથે જ શિયાળુ પાકનું વાવેતર કરવાની તૈયારી કરી રહેલા અને મગફળી કપાસ સહિતના પાકને ખેતરમાંથી કાઢી રહેલા ખેડૂતો પાછોતરા વરસાદના કારણે મુંઝવણમાં મુકાઈ ગયા હતાં તો કેશોદમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો. માત્ર અડધો કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબકતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ હતી. અમરેલીમાં પણ વરસાદી ઝાપટું વરસ્યું હતું. વડીયાના તોરીથી નાજાપુર વિસ્તારમાં વરસાદી ઝાપટાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી તો બગસરાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે કડાયા, હળીયાદ સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટું પાક માટે આફતરૂપી સાબિત થયું હતું.
મેઘરાજાએ વિદાય લેતાં લેતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે. અમરેલી જિલ્લામાં રાત્રે ખાબકેલા ધોધમાર વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અમરેલીના બગસરામાં રાત્રી દરમિયાન ચાર ઈંચથી વધુ વરસાદ ખાબકતા શેરીઓ અને બજારોમાં પાણી ફરી વળ્યા હતાં. ખેતરોમાં બાકી રહેલો પાક પણ નષ્ટ થઈ ગયો છે તો લાઠીમાં 2, બાબરામાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલી શહેરમાં 1 લીલીયા, વડિયામાં અડધો-અડધો ઈંચ વરસાદ વરસ્યો.