ગાંધીનગરઃ ગુજરાતમાં 30 જુલાઈ સુધી લોકડાઉન જાહેર થઈ શકે છે એવા સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ વાયરલ સમાચાર પ્રમાણે રાજ્યમાં ખૂબ જલ્દી ફરીથી લોકડાઉન લાદવામાં આવશે. જો કે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે કે, આ સમાચારમાં કોઈ તથ્ય નથી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે, રાજ્યમાં ફરી લોકડાઉન લાદવાની કોઈ યોજના નથી. મુખ્યમંત્રીના જનસંપર્ક અધિકારીએ મુખ્યમંત્રી વતી સ્પષ્ટ કર્યું છે કે, રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમે રાજ્યના કલેકટરો સાથે રાજ્યમાં ફરી લોકડાઉન લાદવાની  ચર્ચા કર્યાની વાત સાચી નથી.

કેન્દ્ર સરકારના પીઆઈબી દ્વારા આ અફવા અંગેનો એક સ્ક્રીન શોટ પણ મૂકવામાં આવ્યો છે કે જેમાં લખ્યું છે કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ભયંકર રીતે અને ઝડપથી ફેલાઇ રહ્યું છે. આ વાતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર પર હવે ફરીથી લોકડાઉન અંગે વિચારી રહી છે. આ અંગે સતાવાર જાહેરાત આગામી સપ્તાહમાં થાય તેવી સંભાવનાઓ છે.

આ અંગે મળતી માહિતી અનુસાર રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. તેને લઇને ફરી એકવાર લોકડાઉનનો અમલ કરવામાં આવશે તેવી શક્યતાઓ છે. રાજ્ય સરકારે આ અંગે મુખ્ય સચિવને કલેક્ટર સાથે પરામર્શ કરવાની સૂચના આપી દીધી છે. રાજ્ય સરકારે આગામી કેબિનેટની બેઠક સુધી મુખ્ય સચિવને આ અંગે રિપોર્ટ આપવાની સુચના આપી છે. નોંધનીય છે કે જો સરકાર લોકડાઉનના સમર્થનમાં નિર્ણય લેશે તો આગામી 30 જૂલાઇ  સુધી લોકડાઉન જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

રાજ્ય સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, રાજ્યમાં ફરી લોકડાઉન લાદવાની કોઈ વિચારણા નતી કે કોઈ ચર્ચા પણ થઈ નથી.