અમદાવાદઃ રાજ્યમાં કોરોના મહામારી સામે લડાઈ લડવા 4 મે, 2020થી લૉકડાઉનનો ત્રીજો તબક્કો લાગુ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા હોય તે સિવાયની રાજ્ય સરકારની કચેરીઓ માટે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  4 મે, 2020થી શરૂ કરી આગામી બે અઠવાડીયા એટલે કે 17મી મે, 2020 સુધી જુદા જુદા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.


રેડઝોનમાં આવેલી સરકારી કચેરીઓમાં ઉપરી અધિકારીઓ નક્કી કરે તે મુજબ વર્ગ 1 કે તેની ઉપરના 33 ટકા કર્મચારીઓએ ફરજિયાત ઑફિસમાં હાજરી આપવી પડશે. સરકારી કચેરીના વડા તરીકે વર્ગ-2ના અધિકારીઓ હશે તો તેમણે પણ ફરજ પર ફરજિયાત હાજર રહેવું પડશે. વર્ગ-3 અને તેની નીચેના કર્મચારીઓના કિસ્સામાં 33 ટકા કર્મચારીઓએ ઉપરસ્થિત રહેવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ચોથી મેથી 17મી મેના લૉકડાઉન 3 માટે આ સૂચના જારી કરવામાં આવી છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓને પણ આ પરિપત્ર લાગુ પડશે.

જો કે, રેડ ઝોન અમદાવાદમાં રહેતા અને ગાંધીનગરમાં ફરજ હેઠળના કર્મચારીઓને બાબતમાંથી મુક્તિ છે. જ્યારે ઓરેન્જ ઝોનના જિલ્લાઓમાં વર્ગ-૩ અને તેથી નીચેના ૫૦ ટકા કર્મચારીઓથી સરકારી સેવાઓ પૂર્વવત્ કરવાની રહેશે. બાકીના તમામને ઘરેથી વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે. ગ્રીન ઝોન હેઠળના જિલ્લાઓમાં તમામ સરકારી કચેરીઓને ૧૦૦ ટકા સ્ટાફ સાથે કાર્યરત કરવા GAD અગ્રસચિવ કમલ દયાનીની સહીથી જાહેર થયેલા પરિપત્રમાં અન્ય ઝોન હેઠળના જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ એરિયામાં રહેતા કર્મચારીઓને ગ્રીન ઝોનમાં કામ કરવા માટે બોલાવવા નહી એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. ત્રણેય ઝોનમાં સામાજિક અંતર, માસ્ક સાથે સરકારી સેવાઓ બહાલ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.