ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસનો કહેર થમી નથી રહ્યો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 376 નવા કેસ નોંધાયા છે જ્યારે 29 દર્દીઓના મોત થયા છે. આજે 153 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 5804 પર પહોંચી છે અને મૃત્યુઆંક 319 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.


અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નોંધાયેલા કુલ કેસ પૈકી માત્ર અમદાવાદમાં 259 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે આણંદમાં -1, ભાવનગરમાં 21, બનાસકાંઠામાં 3, બોટાદમાં 3, દાહોદ 6, ગાંધીનગર 7, જામનગર 3,પંચમહાલ 7,રાજકોટ 3, સુરત 20, વડોદરા 35, મહીસાગર 3, ખેડા 3 અને સાબરકાંઠા 2 કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 29 લોકોનાં મોત થયા છે. જેમાંથી 16નાં મોત પ્રાથમિક રીતે કોવિડ19નાં કારણે જ્યારે 13નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કની બીમારીના કારણે થયા છે. 29 મોતમાંથી અમદાવાદમાં-26, સુરતમાં-1 અને વડોદરામાં 2 મોત થયા છે. કુલ મૃત્યુઆંક 319 પર પહોંચ્યો છે.

રાજ્યમાં કુલ 5804 કોરોના કેસમાંથી 25દર્દી વેન્ટિલેટર પર છે અને 4265 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1195 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 84648 ટેસ્ટ થયા જેમાંથી 5804 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.