LOK SABHA 2024: ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ગયુ છે, ગુજરાતમાં ભાજપની સાથે સાથે કોંગ્રેસ પણ એક્શન મૉડમાં છે, ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપને ટક્કર આપી શકે તેવા સક્ષમ ઉમેદવારોને ઉતારવાની કોંગ્રેસની તૈયારી છે, આ કડીમાં હવે ગુજરાતમાં ગાંધીનગર લોકસભા બેઠક પર કોંગ્રેસ એક મહિલા નેતાને ઉતારવાની તૈયારીમાં છે. હાલમાં આ અંગે મંથન ચાલી રહ્યું છે, અને આવતીકાલે દિલ્હીમાં કોંગ્રેસ CEC બેઠકમાં આ અંગે ચર્ચા થશે.


ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતવાના ભાજપના સપનાને રોળવા માટે કોંગ્રેસ તૈયાર છે, કોંગ્રેસે ગુજરાતમાં બાકીની 17 બેઠકો માટે સક્ષમ અને લોકપ્રિય ઉમેદવારો મેદાનમાં ઉતારવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવતીકાલે દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીની CEC બેઠક મળવાની છે. આ બેઠકમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના બાકીના ઉમેદવારો અંગે મંથન થશે. ખાસ વાત છે કે આ બેઠકમાં ગુજરાતની બાકીની 17 બેઠક અંગે ચર્ચા કરાય તે પહેલા એક ખાસ નામ સામે આવ્યુ છે. ગાંધીનગરમાં ભાજપના ઉમેદવાર અમિત શાહની સામે કોંગ્રેસ મહિલા ઉમેદવાર ઉતારવાની તૈયારીમા છે. કોંગ્રેસ પક્ષ ગાંધીનગરથી સોનલ પટેલ નામની પટેલ મહિલાને ટિકીટ આપી શકે છે. સોનલ પટેલ હાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે કાર્યરત છે. સોનલ પટેલ આ ઉપરાંત અત્યારે મહારાષ્ટ્રના સહપ્રભારીની જવાબદારી નિભાવી રહ્યાં છે. 


બળવો કરી પક્ષે સામે જ ચૂંટણી લડેલા વધુ એક નેતાની થશે ઘરવાપસી, કરશે કેસરિયાં - 


ગઇકાલે દેશભરમાં આચાર સંહિતા લાગુ થઇ ચૂકી છે, ગઇકાલે બપોરે ચૂંટણી પંચે દેશમાં સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત ભાજપે તમામ 26 બેઠકો કબજે કરવા કવાયત શરૂ કરી છે. હાલમાં માહિતી મળી છે કે, ભાજપે બનાસકાંઠામાં વધુ એક પક્ષપલટો કરીને અપક્ષ ચૂંટણી લડેલા નેતા લેબજી ઠાકોરને પક્ષમાં સામેલ કરવાની કવાયત શરૂ કરી છે. હવે ગમે તે સમયે લેબજી ઠાકોર ભાજપમાં જોડાઇ શકે છે. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારતાં જ ભાજપને પણ ઠાકોર નેતાની જરૂર પડી છે. 


લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ બનાસકાંઠા જિલ્લામાં ભાજપ એક્શન મૉડમાં આવ્યુ છે. અગાઉ પક્ષમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનારા નેતાને ભાજપ ફરીથી પક્ષમાં આવકારી રહ્યું છે. સુત્રો અનુસાર, ગઇ વિધાનસભા ચૂંટણી દરમિયાન જિલ્લાની ડીસા બેઠક પરથી બળવો કરીને અપક્ષ ઉમેદવાર બનેલા લેબજી ઠાકોરને ભાજપ ફરીથી પક્ષમાં લાવશે, ગમે તે સમયે લેબજી ઠાકોર ફરીથી કેસરિયો કરશે. ગઇ વિધાનસભા વખતે ભાજપે લેબજી ઠાકોરને અવગણીને ટિકીટ ન હતી આપી પછી લેબજી ઠાકોરે અપક્ષ દાવેદારી નોંધાવી હતી અને ચૂંટણીમાં 45000થી વધુ મતો પણ મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા બેઠક પરથી ભાજપે પહેલાથી જ ગેનીબેન ઠાકોરના નામની જાહેરાત કરી દીધી છે. ગેનીબેનના મેદાનમાં આવતાની સાથે જ ભાજપને પણ હવે જિલ્લામાં ઠાકોર મતોને સાધવા માટે ઠાકોર નેતાની જરૂર પડી છે.