Lok Sabha Election: ગુજરાતમાં ભાજપ બાદ કોંગ્રેસે પણ પોતાના મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે, અને જે ઉમેદવારો બાકી છે તેની નેક્સ્ટ યાદી એ બે દિવસમાં આવી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે ગઇકાલે ભાજપે પોતાની પાંચમી યાદી જાહેર કરી જેમાં મહેસાણા બેઠક પર પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. સાથે જ ચર્ચાઓ શરૂ થઇ છે કે, કોંગ્રેસ મહેસાણા બેઠક પર ઠાકોર ઉમેદવારને ટિકીટ આપી શકે છે.  


કોંગ્રેસ દિલ્હીમાં એક પછી એક સીઇસી બેઠક થઇ રહી છે, જેમાં ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોના નામ અંગે ચર્ચાઓ અને મંથન થઇ રહી છે, આ બધાની વચ્ચે સુત્રો તરફથી માહિતી મળી છે કે, મહેસાણા બેઠક પર કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરને મેદાનમાં ઉતારી શકે છે. સુત્રો અનુસાર, મહેસાણામાં ભાજપના પાટીદાર ઉમેદવારની સામે કોંગ્રેસ ઠાકોર ઉમેદવારને મેદાનમાં ઉતારશે, કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર જો તૈયાર થાય તો કોંગ્રેસ તેમને મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડાવશે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા બેઠક પર ગઇકાલે ભાજપે પોતાની પાંચમી યાદીમાં ઉમેદવારોને જાહેર કરી દીધા છે, મહેસાણામાં ભાજપે પાટીદાર સમાજના ઉમેદવાર હરિભાઇ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ખાસ વાત છે કે, મહેસાણા લોકસભા મતવિસ્તારમાં પાટીદારોની જેમ જ ઠાકોર સમાજનું પણ પ્રભુત્વ છે.


રાજકોટ બેઠકને લઇને કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયું, બે જૂથો વચ્ચે ખેંચતાણ થતાં શક્તિસિંહ રાજકોટ દોડ્યા


ગુજરાતમાં કોંગ્રેસ લોકસભાની ચૂંટણીને લઇને તૈયારીઓમાં લાગી છે. રાજ્યમાં પહેલાથી જ ભાજપ એક્શન મૉડમાં છે અને લગભગ મોટાભાગની બેઠકો પર ઉમેદવારો ઉતારી દીધા છે, અને બાકીની છ બેઠકો પર આજે કે પછી આવતીકાલે ઉમેદવારોની જાહેર સંભવ છે. પરંતુ આ કોંગ્રેસ હજુ પણ અવઢવમાં છે કે કઇ બેઠક પર કયા ઉમેદવારને ઉતારવા. છેલ્લા કેટલાક સમયથી સૌથી હૉટ ગણાતી રાજકોટ બેઠકને લઇને કોંગ્રેસમાં કોકડુ ગૂંચવાયું છે. બે જૂથો આમને સામને હોવાની વાતને લઇને કાર્યકરોમાં ઉત્સાહ ખતમ થઇ રહ્યો છે, ત્યારે આ ગૂંચવણનો ઉકેલ લાવવા માટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલા આજે અચાનક રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે. 


ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી પક્ષ છોડવાની હોડ લાગી છે, અને લોકસભા માટે નવા ઉમેદવારો મળતા નથી જેવી સ્થિતિ સર્જાઇ છે. કેમકે પહેલાથી જ સીનિયર કોંગ્રેસી નેતાઓએ લોકસભા ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. આજે સવારે અચાનક પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રાજકોટ પહોંચ્યા છે. રાજકોટ લોકસભા મત વિસ્તાર બેઠક માટે ઘણા સમયથી કોકડું ગૂંચવાયું છે, ઉમેદવારોને લઈને છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના બે જૂથોમાં વહેંચાયેલુ જોવા મળી રહ્યું છે, રાજકોટ કોંગ્રેસમાં લાંબા સમયથી કોંગ્રેસના અગ્રણી ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને ડૉ. હેમાંગ વસાવડા જૂથ વચ્ચે ટિકિટને લઈને ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે બન્ને જૂથોના અગ્રણીઓને સમજાવવા માટે શક્તિસિંહ ગોહિલ અચાનક મુલાકાત કરવા રાજકોટ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભા માટે પરેશ ધાનાણીથી લઇને કેટલાક મોટા નેતાઓના નામો ચર્ચાઇ રહ્યાં છે, સાથે સાથે શહેર કોંગ્રેસમાં કેટલાક નામો પણ રેસમાં છે. આજે બપોરે શક્તિસિંહ ગોહિલ રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણીઓ અને ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ સાથે પણ મુલાકાત કરશે.