Loksabha Elections: ગુજરાત ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે થોડા દિવસ પહેલા જ તમામ 26 લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલય ખોલી દેવામાં આવ્યા છે. મળતી વિગત પ્રમાણે, રામાયણ સિરિયલના સીતાજી ગુજરાતમાંથી લોકસભા ચૂંટણી લડી શકે છે. ભાજપ દીપિકા ચીખલિયાને ચૂંટણી લડાવાની તૈયારી કરી રહ્યું છે.


ઉમેદવારની સાથે દીપિકા ચીખલિયા ભાજપના સ્ટાર પ્રચારક પણ બની શકે છે


ગુજરાતી મૂળના હોવાથી સેલિબ્રિટી ક્વોટામાં દીપિકા ચીખલિયાની પસંદગી કરવામાં આવી શકે છે. દેશભરમાં હાલ રામમંદિર બનવા બદલ આનંદનો માહોલ છે અને માહોલનો વધુ લાભ મેળવવા દીપિકા ચીખલિયાને ભાજપ ચૂંટણી જંગમાં ઉતારવા માગે છે. શિક્ષિત યુવા તરીકે ભાજપ દીપિકા ચીખલિયાની પસંદગી કરી શકે છે. ઉમેદવારની સાથે દીપિકા ચીખલિયા ભાજપના સ્ટાર પ્રચારક પણ બની શકે છે.


1991માં વડોદરાથી સાંસદ તરીકે ચૂંટાયા હતા


ઉલ્લેખનીય છે કે ચીખલિયાએ ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે રાજનીતિમાં પણ કામ કર્યુ છે. રામાયણ સીરિયલ બાદ તરત તેઓ ભાજપમાં જોડાયા હતા અને 1991માં વડોદરાથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. જોકે તે સમયે પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે રાજકીય કરિયર આગળ વધારી નહોતી.




પ્રખ્યાત ટેલિવિઝન શો રામાયણમાં માતા સીતાના રોલથી ફેમસ થયેલી દીપિકા ચિખલિયાને આજે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. એક સમય હતો જ્યારે લોકો તેમને માતા સીતા માનતા હતા અને તેમની પૂજા કરતા હતા. દીપિકા ચિખલિયાને આ શોથી ઘણી લોકપ્રિયતા મળી હતી. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર અભિનેત્રીની મજબૂત ફેન ફોલોઈંગ છે.


દીપિકા ચિખલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. રિપોર્ટ્સ અનુસાર દીપિકા ચિખલિયાના લગ્ન 23 નવેમ્બર 1991ના રોજ હેમંત ટોપીવાલા સાથે થયા હતા. તેઓ વ્યવસાયે બિઝનેસમેન છે. તેમની કંપનીનું નામ છે - 'શ્રીનગર બિંદી'. જે કોસ્મેટિક બ્રાન્ડ છે. દીપિકા અને હેમંતના લગ્નને 32 વર્ષ થયા છે. તેમને જુહી અને નિધિ નામની બે પુત્રીઓ પણ છે.