દાહોદના ધર્મસ્થાનમાં ખેલાયો ખૂની ખેલઃ યુવતીની હત્યામાં સામે આવી ચોંકાવનારી વિગતો

પ્રેમિકાના લગ્ન અન્ય જગ્યાએ નક્કી થયાની જાણ પ્રેમીને થતાં તેણે પ્રેમિકાને છેલ્લી વાર ગુરુદ્વારામાં મળવા માટે બોલાવી હતી. જ્યાં બન્ને વચ્ચે રકઝક થતાં પ્રેમીએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી પ્રેમિકાને મોતના ઘાટ ઉતારી દીધી હતી.

Continues below advertisement
દાહોદઃ શહેરમાં ચકચારી યુવતીની હત્યાની ઘટનામાં હત્યાનું કારણ સામે આવ્યું છે. ગઈ કાલે દાહોદના ઠક્કર ફળીયા સ્થિત ગુરૂદ્વારાની બાથરૂમમાં લોહીથી લથપથ યુવતીની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. યુવતીની લાશ પાસે તીક્ષ્ણ હથિયારથી ગંભીર રીતે ઘવાયેલો યુવક પણ મળી આવ્યો હતો . પ્રાપ્ત વિગત પ્રમાણે યુવક-યુવતીને પ્રેમ સબંધ હતા. જોકે, પ્રેમિકાના લગ્ન અન્ય જગ્યાએ નક્કી થયાની જાણ પ્રેમીને થતાં તેણે પ્રેમિકાને છેલ્લી વાર ગુરુદ્વારામાં મળવા માટે બોલાવી હતી. જ્યાં બન્ને વચ્ચે રકઝક થતાં પ્રેમીએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી પ્રેમિકાને મોતના ઘાટ ઉતારી દીધી હતી. એટલું જ નહીં, પોતે પણ શરીરે જીવલેણ ઘા મારી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. સમગ્ર પ્રકરણમાં અનેક શંકા કુશંકાઓ ઉભી થઇ છે ત્યારે ખરેખર પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી છેકે પછી કોઈકે આ બંનેને મારી નાખવાનો કારસો ઘડ્યો છે, તે હાલ તપાસનો વિષય બન્યો છે. હાલ તો જીવન મરણની વચ્ચે ઝોલાં ખાઈ રહેલો પ્રેમી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે દાહોદ ટાઉન પોલીસ હાલ સમગ્ર મામલે તપાસમાં જોતરાઈ ગઈ છે, ત્યારે બીજી તરફ યુવકે ઘટનાની કેટલીક મિનિટો પહેલા બન્ને પ્રેમી પંખીડાએ હસતા ચેહરે જીવનની શરૂઆત અને જીવનનો અંત લખેલા છેલ્લા સ્ટેટ્સ સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં મુક્યા બાદ સમગ્ર ઘટનાને અંજામ આપ્યાની માહિતી સપાટી પર આવી છે. યુવતીના મૃતદેહને પીએમ માટે દાહોદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યો છે. પ્રેમી યુવક પંકજ લાલભાઈ વણઝારા ( ઉ.વ .૨૧ , રહે .વણઝારવાડ , તા.ઝાલોદ લીમડી ) અને યુવતી કે જે સગીર વયની હોવાનું કહેવાય છે, તે દાહોદ શહેરમાં જ રહે છે અને તે યુવતીના લગ્ન પણ શુક્રવારના રોજ યોજાવાના હતા ત્યારે લગ્નના 2 દિવસ અગાઉ જ યુવતીની નિર્મમ હત્યા પ્રેમીએ કરતા સમગ્ર દાહોદ જીલ્લામાં ખળભળાટ મચ્યો છે. ત્યારે ગરુદ્વારામાં સેવા બજાવતા સેવકે સમગ્ર ઘટના વર્ણવી હતી. બીજી તરફ સમગ્ર મામલે પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. ગુરુદ્વારામાં સીસીટીવી પણ લાગેલા હતા તેના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ગુરુદ્વારા બહારથી પ્રેમી યુવકની બાઇક તેમજ તેની બેગ સહિત પ્રેમી યુવતીની પણ બેગ કબ્જે કરી છે. પ્રેમી યુવક દ્વારા એટલા ઝનૂનથી યુવતી પર હુમલો કર્યો હતો કે બાથરૂમ માં લોહી જ લોહી જોવા મળ્યું હતું. બીજી તરફ હાલ યુવકની પણ સ્થિતિ ગંભીર છે, ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Continues below advertisement
Sponsored Links by Taboola