લોરરક્ષક ભરતી શારીરીક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. LRD ભરતીની શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત, તેમજ ઉતીર્ણ થયેલ ઉમેદવારોને શારીરીક કસોટીમાં મળેલ ગુણની વિગત વેબસાઈટ પર જોઈ શકશે. ઉમેદવારો LRDની વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે.
પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું કે, એલઆરડી લોકરક્ષકની શારીરિક કસોટીમાં 2 લાખ 94 હજાર ઉમેદવારો પાસ થયા છે. 8.86 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. 6.56 લાખ ઉમેદવારોએ શારીરિક પરીક્ષા આપી હતી. આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. એક અઠવાડિયા સુધીમાં વાંધા અરજી માટેનો સમય આપવામાં આવ્યો છે. લેખિત પરીક્ષા માટેની તૈયારીઓ કરી રહ્યા છીએ. રાજ્યના ચાર મોટા શહેરોમાં પરીક્ષા લેવાની હાલના તબક્કે તૈયારીઓ છે. સીસીટીવી કલાસ રૂમમાં જ પરીક્ષાઓ લેવાશે.
પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી કહ્યું કે, લોકરક્ષક ભરતીના પરિણામ બાબતે ઉમેદવાર કોઇપણ રજૂઆત કરવા માગતા હોય તો તારીખ 28 ફેબ્રુઆરી 2022 સુધીમાં બોર્ડને મળી જાય તે રીતે લેખિત અરજી કરી શકશે.
અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, ઉમેદવારોએ પરિણામ બાબતે અરજી કરવા માટે બોર્ડની કચેરીએ આવવું નહીં ટપાલથી અરજી મોકલી આપવી.
હવે આ શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાવાની છે. આ માટેની તારીખની જાહેરાત કરાઈ ચૂકી છે. LRDની દોડની પરીક્ષામાં પાસ ઉમેદવારોની લેખિત પરીક્ષા 10 એપ્રિલ 2022ના રોજ યોજાશે.