કચ્છઃ કચ્છમાં લમ્પી વાયરસથી હાહાકાર મચી ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે આવી પહોંચ્યા છે. અસરગ્રસ્ત ગાયો માટે ભુજના કોડકી રોડપર આવેલ આઈસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રી અને રાઘવજી પટેલ કલેકટર કચેરી અધિકારીઓ સાથે બેઠક કરશે. ભૂપેન્દ્ર પટેલ અને રાઘવજી પટેલ કચ્છમાં લમ્પી વાયરસની સમીક્ષા કરી રહ્યા છે.
આજે લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભે વહીવટી તંત્ર સાથે ચર્ચા કરશે. ભુજના કોડકી રોડ ઉપર બનાવામાં આવેલ આઇસોલેશન સેન્ટર અને વેક્સીનેશન સેન્ટરની મુલાકાત લીધા બાદ ભુજ કલેકટરે કચેરી ખાતે ઉચ્ચ અઘિકારીઓ સાથે યોજશે બેઠક.
મુખ્યમંત્રી કચ્છ લમ્પીગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે ત્યારે કિસાન કોંગ્રેસના કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ અપેક્ષાઓ વ્યક્ત કરી. મુખ્યમંત્રી માંડવી, મુન્દ્રા, અબડાસા જેવા અતિ ભયંકર લંપીગ્રસ્ત વિસ્તારની મુલાકાત અવશ્ય લે. ખુલ્લામાં પશુ મૃત્યુદેહ સળી રહ્યા છે તે ભુજપુર ગામની તો અવશ્ય મુલાકાત લે. મુખ્યમંત્રીશ્રી જિલ્લાના તંત્ર પાસેથી ખરેખર મૃત્યુ પામેલા પશુનો સાચો આંકડો મેળવે ને જાહેર કરે.
ખોટા આંકડાઓ જાહેર કરવા બદલ તંત્ર સામે શું કાર્યવાહી કરી તે જાહેર કરે. પશુ મૃત્યુદેહને ખુલ્લામાં રજળતા નાખી દેવા બદલના કારણો જાણે અને લાપરવાહી બદલ જવાબદારને દંડે. કચ્છમાં ફોરેસ્ટના ઘાસચારાના ગોદામો ભરેલા પડ્યા છે એમાંથી ઘાસચારો આપવામાં આવે. પશુને ભુસુ, ગોળનું પાણી વગેરે એનર્જીવાળો ખોરાક માટે વ્યવસ્થા કરે. પશુ મૃત્યુના કારણે રોજીરોટી ગુમાવનાર માટે પશુ મૃત્યુ સહાય જાહેર કરવામાં આવે. વાસ્તવિક પરિસ્થિતિ જાણ્યા બાદ આ રોગને નાથવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે.
ગુજરાતમાં પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસને લઈ પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. રાજયમાં હાલની સ્થિતિએ અત્યાર સુધીમાં કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ અને મહેસાણા મળી કુલ 20 જિલ્લાઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે.
અત્યાર સુધીમાં કેટલા પશુઓના મોત
20 જિલ્લાઓના અસરગ્રસ્ત 1935 ગામોમાં 54,161 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે, તે તમામ પશુઓને સારવાર આપવામાં આવી છે. અત્યાર સુધીનાં રોગચાળા અહેવાલ મુજબ રાજયમાં કુલ 1431 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મૃત્યું નોધાયા છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 8.17 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવેલ છે અને હાલમાં જીલ્લા કક્ષાએ 7.90 લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે.
પશુપાલકો આ નંબર પર કરી શકે છે ફોન
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું પશુપાલકોને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી માટે શરૂ કરેલ ટોલ ફ્રી હેલ્પલાઈન 1962 પર છેલ્લા આઠ દિવસમાં 21026 એટલે કે દરરોજ સરેરાશ 2100થી વધુ કોલ્સ લમ્પી સ્કીન ડીસીઝ માટે આવ્યા છે અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું છે.
મંત્રીએ ઉમેર્યુ કે રાજયમાં લમ્પી રોગના નિયંત્રણ અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવાના હેતુસર કામધેનુ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર શ્રી નરેશ કેલાવાલાના અધ્યક્ષ સ્થાને રાજય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેમાં પાંચ સભ્યોની નિમણૂંક કરાઇ છે આ ટાસ્ક ફોર્સ દ્વારા સારવાર સંદર્ભે જે પણ ગાઇડલાઇન મળશે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે.