પાલનપુર:  આજે સવારે દાતા અંબાજી વચ્ચે આવેલા ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલા કઠલાલના શ્રદ્ધાળુઓ ભરેલી બસ ત્રિશુલિયા ઘાટ નજીક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. આ બસમાં સવાર શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. 


શ્રદ્ધાળુઓ ભરેલી બસ ત્રિશુલિયા ઘાટ નજીક પલટી મારતા બસમાં સવાર 50થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.  જ્યારે તંત્રને આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 


તમામ મુસાફરોને દાંતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.  જ્યાંથી વધુ સારવાર માટે 15થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા 50થી વધુ ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે 20થી વધુ ડોક્ટરની ટીમ તેમજ પેરા મેડિકલ સ્ટાફ દ્વારા તમામ ઇજાગ્રસ્તોની સારવાર હાથ ધરવામાં આવી હતી.  


આ અકસ્માતની ઘટનામાં બે લોકો સહિત એક બાળકનું મોત થયુ હતું. આ ઘટનાને લઈને બનાસ મેડિકલ ચેરમેન પરથીભાઇ ચૌધરી જિલ્લા કલેકટર,  બનાસકાંઠા જિલ્લા પોલીસવડા સહીત પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અકસ્માતની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. શંકરભાઈ ચૌધરીએ  તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને ઝડપથી સારવાર મળી રહે તે માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સંચાલકોને સૂચના આપી છે. 


સમગ્ર ઘટનાને લઈને જિલ્લા કલેકટર અને બનાસકાંઠા એસપી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ અકસ્માત કઈ રીતે થયો તેને લઈને ટેકનિકલ ટીમો,  એફએસએલ ટીમો પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને બસમાં રહેલા એક મુસાફરે કહ્યું કે ત્રિશૂલિયો ઘાટ ઉતરતી વખતે બસ ડ્રાઈવર રીલ્સ બનાવતો હતો તેને ના પાડતા પણ તેણે રીલ્સ બનાવવાનું ચાલુ રાખ્યું હતું અને ત્યારબાદ અચાનક બસ પલટી ખાઈ ગઈ હતી.  ડ્રાઈવરની બેદરકારીને કારણે ઘટના બની હોય તેવું મુસાફરોએ કહ્યું હતું.