આ વાવાઝોડું દીવ અને દ્વારકા વચ્ચે ટકરાવાનું છે ત્યારે દીવમાં મંગળવારથી ટુરિસ્ટોને આવવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. એટલું જ નહીં, જે ટુરિસ્ટ હાલ દીવમાં છે તેમને પણ 24 કલાકની અંદર દીવ છોડી દેવા માટે કહી દેવામાં આવ્યું છે.
વાવાઝોડાના જોખમને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને મધદરિયેથી પરત બોલાવવામાં આવી રહ્યા છે. સંભવિત જોખમને પહોંચી વળવા રાજ્યનું વહિવટી તંત્ર સાબદું કરાયું છે. મુખ્યમંત્રી રૂપાણીએ અધિકારીઓને અને મંત્રીઓને સંભવિત નુકસાનીના જિલ્લાઓમાં પહોંચી કંટ્રોલ રૂમ શરૂ કરવા આદેશ આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાત જણાય લોકોનું સ્થળાંતર કરવાની પણ યોજના છે.
ગીર સોમનાથ જિલ્લામાં કુલ 10,500 જેટલી નાની મોટી બોટને પરત બોલાવવામાં આવી છે. ફિશરીઝ વિભાગે કોઈ બોટ ફિશિંગ કરવા જશે તો તેનું ત્રણ મહિના સુધી લાયનસ્સ રદ કરાશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
રાજ્યમાં મહા વાવાઝોડાના પગલે NDRFની તૈયારી વિશે એનડીઆરએફના કમાન્ડિંગ ઓફિસર રાકેશ સીંગે માહિતી આપી છે કે NDRFની 15 જેટલી ટીમોને એલર્ટ કરવામાં આવી છે. 10 ટિમ અન્ય રાજ્યમાં એર લિફ્ટ કરવામાં આવશે. 5 ટિમ દિલ્હી અને 5 ટિમ હરિયાણાથી બોલાવવામાં આવશે.
વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખતા રૂપાણી સરકારે અમરેલીથી પોરબંદર સુધીના દરિયા કિનારના વિસ્તારોમાં કાચા મકાનમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાનો સરકારે નિર્ણય લીધો છે. દરિયા કિનારે રહેતા અગરિયા અને બંદરો પર કામ કરતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. આવતીકાલથી સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
વાવાઝોડું દરિયામાં વેરાવથી પશ્વિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં સક્રિય છે. હવામાન વિભાગની આગાહી મુજબઆ વાવાઝોડું હાલમાં અતિગંભીર સ્વરૂપે પહોંચ્યું છે. આગામી 5મી નવેમ્બરથી વાવાઝોડું ફંટાશે અને તે પૂર્વ અને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધશે.
વાવાઝોડું હાલની આગાહી મુજબ દીવ-પોરબંદરની વચ્ચેથી 100 કિ.મી ઝડપે પસાર થશે. ગુજરાતના કાંઠેથી 6 નવેમ્બર રાત્રે વાવાઝોડું પસાર થાય તેવી વકી છે.