mahisagar rain news: મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ જાણે તોફાની બેટિંગ કરવાનું નક્કી કરી લીધું હોય તેમ મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. કોઠંબા તાલુકામાં તો જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં 5 ઈંચથી પણ વધુ વરસાદ ખાબકતાં આખો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. આ ઉપરાંત લુણાવાડા, બાલાસિનોર અને ગોધર પંથકમાં પણ વરસાદે ધડબડાટી બોલાવી છે. લુણાવાડા અને બાલાસિનોરમાં અઢી-અઢી ઈંચ (2.5 ઈંચ) જેટલો વરસાદ નોંધાયો છે.

Continues below advertisement

કોઠંબા અને લુણાવાડામાં જળબંબાકારની સ્થિતિ

કોઠંબામાં 5 ઈંચથી વધુ વરસાદને પગલે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બસ સ્ટેશન વિસ્તાર સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો છે અને લુણાવાડા તરફ જતો માર્ગ પણ પાણીમાં ડૂબી ગયો છે. જિલ્લાના મુખ્યમથક લુણાવાડાની વાત કરીએ તો, અહીં 2.5 ઈંચ વરસાદમાં જ રસ્તાઓ નદીમાં ફેરવાયા છે. હાટડિયા બજાર, માંડવી બજાર અને હુસૈની ચોકમાં પાણી ધસમસતા વહેવા લાગ્યા છે. હાટડિયા બજારમાં ગોઠણસમા પાણી ભરાતા વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. એટલું જ નહીં, લુણાવાડાની જયશ્રીનગર સોસાયટીના રહીશો પણ ભારે ત્રસ્ત છે. અહીં વરસાદને કારણે ભૂગર્ભ ગટરના પાણી બેક મારી રહ્યા છે અને ગટરની ચેમ્બરમાંથી ફુવારાની જેમ ગંદુ પાણી બહાર આવતા આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યું છે.

Continues below advertisement

હાઈવે પર દિવસે અંધારપટ અને રસ્તાઓનું ધોવાણ

ભારે વરસાદને કારણે લુણાવાડા-અમદાવાદ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. આકાશમાં એવા કાળાડિબાંગ વાદળો છવાયા હતા કે દિવસે જ રાત જેવો અંધારપટ છવાઈ ગયો હતો. વિઝિબિલિટી સાવ ઘટી જતા હાલોલ-શામળાજી અને લુણાવાડા-અમદાવાદ હાઈવે પર પસાર થતા વાહનચાલકોએ દિવસે પણ પોતાની ગાડીઓની હેડલાઈટ ચાલુ રાખવી પડી હતી. વરસાદનું જોર એટલું હતું કે વીરણીયા ચોકડીથી દેવ ચોકડી તરફ જતો રસ્તો ધોવાઈ ગયો છે. મુખ્ય માર્ગ પર નદીની જેમ પાણી વહી રહ્યા છે અને આસપાસના ખેતરો તળાવ બની ગયા છે.

ખેડૂતો અને લુણાવાડાવાસીઓ માટે ખુશીના સમાચાર

એક તરફ ભારે વરસાદથી મુશ્કેલી પડી છે, તો બીજી તરફ સારી વાત એ છે કે, જિલ્લામાં અને ઉપરવાસમાં થયેલા સચરાચર વરસાદને પગલે પાનમ નદી બંને કાંઠે વહેતી થઈ છે. નદી પૂરા વેગથી વહી રહી છે અને તેમાં નવા નીર આવતા લુણાવાડા શહેરના પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. પાણીની સારી આવક થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

સુવા ગામ ટાપુમાં ફેરવાયું: 128 લોકોનું દિલધડક રેસ્ક્યૂ

આ બધા વચ્ચે લુણાવાડા તાલુકાનું સુવા ગામ પૂરના પાણી ઘૂસતા એક ટાપુમાં ફેરવાઈ ગયું હતું. ગામના નાયક ફળિયામાં પાણી ભરાઈ જતાં 28 જેટલા લોકો કેડસમા પાણીમાં ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા (SP), પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતનો આખો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વહીવટી તંત્રએ આ તમામ 28 લોકો અને તેમના પશુઓને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યા હતા.

તંત્રએ હજુ તો રાહતનો શ્વાસ લીધો જ હતો, ત્યાં ખબર પડી કે આ જ ગામમાં રહેતા એક દેશી વૈદ્યને ત્યાં અન્ય જિલ્લાઓમાંથી દવા લેવા આવેલા 100 જેટલા લોકો પણ પૂરના પાણીમાં ફસાઈ ગયા છે. કેટલાક લોકો તો જીવના જોખમે જાતે જ પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. જોકે, પોલીસે તરત જ મોરચો સંભાળ્યો અને ટ્રેક્ટરની મદદથી આ તમામ લોકોનું રેસ્ક્યૂ શરૂ કર્યું. આ કામગીરીમાં ખુદ SOG PI વિમલ ધોરડાએ જાતે ટ્રેક્ટર હંકારીને લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા.

માત્ર સુવા જ નહીં, પરંતુ નજીકમાં આવેલા ભાટપુરા ગામમાં પણ પાણી ભરાઈ જતાં 6 લોકોને તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ વિસ્તારોમાં SDRF અને ફાયર બ્રિગેડની ટીમો તહેનાત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે