આણંદઃ આંકલાવના મુજકુવા ગામે પાંચ વર્ષની બાળકીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. ઘરેથી રમવા ગયેલી બાળકીનો હત્યા કરાયેલો મૃતદેહ ઘરથી 300 મીટર દૂર ઝાડીમાંથી મળી આવ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. હત્યારો બીજો કોઈ નહીં, બાળકીનો પિતા જ નીકળ્યો છે. પત્નીના આડા સંબંધના વહેમમાં સગી દીકરીની પિતાએ હત્યા કરી નાંખી હતી.


આ અંગેની વિગતો એવી છે કે, મુજકુવામાં રહેતા અને ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં યુવકની પાંચ વર્ષીય દીકરી બે દિવસ પહેલા ગુમ થઈ ગઈ હતી. પરિવારે શોધખોળ કરતાં ઘરથી થોડે દૂર ઝાડીમાંથી બાળકીની લાશ મળી આવી હતી. પોલીસને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમજ બાળકીની લાશનું પોસ્ટમોર્ટમ કરાવતા બાળકીની ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ તપાસમાં બાળકીના પિતા પર પોલીસને શંકા પડી હતી. કારણ કે, તે વારંવાર પોતાના નિવેદન બદલી રહ્યા હતા. પોલીસે ઉલટ તપાસ કરતાં પિતા એજ હત્યા કરી હોવાનો ખુલાસો કરતા પોલીસ ચોંકી ઉઠી હતી. યુવકને પત્નીને પિયરમાં અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હોવાની શંકા હતા. એટલું જ નહીં, પત્ની પણ અવાર-નવાર કહેતા હતી કે, આ દીકરી પ્રથમ પ્રેમી સાથેના સંબંધથી થયેલી છે.

આમ કહીને તે પતિને મહેણા મારતી હતી. આ બધાથી કંટાળેલા યુવકે સાંજે ઘરેથી બહાર રમવા ગયેલી સગી દીકરીનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. તેમજ આ પછી દીકરી ગુમ થઈ ગઈ હોવાની વાત ઘડી કાઢી હતી. જોકે, પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો છે.