ગાંધીનગર: રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેંદ્રીય રસાયણ મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી હતી કે ખાતરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. કેંદ્ર સરકારે સબસિડીની રકમ વધારી દીધી છે એટલે ખેડૂતો પર વધારાનો બોજો નહીં પડે. વાવાઝોડુ, અતિવૃષ્ટિથી તબાહ થયેલા ખેડૂતોને નુકસાનીનું હજુ સુધી વળતર ચૂકવાયું નથી. રવિ સિઝન પૂર્વે રાસાયણિક ખાતરના ભાવમાં પ્રતિ બેગ રૂપિયા 265નો વધારો ઝીંકી દેવાતા ખેડૂતો ગુસ્સે ભરાયા હતા. 


આ સાથે ભાજપની જ ભગીની સંસ્થા કિસાન સંઘ અને કિસાન કૉંગ્રેસ સહિતના ખેડૂત સંગઠનોએ ભાવ વધારાનો વિરોધ કર્યો હતો.  વિરોધના પગલે સરકાર ઝૂકી  હતી અને કહ્યું હતું કે કંપનીઓને ખાતરના ભાવમાં વધારો પાછો ખેંચવાની સૂચના આપી દીધી છે. કેટલાક ખાતરોની બહારથી આયાત કરવી પડે છે. NPKમાં કેટલીક કંપનીઓએ MRP 1700 રૂપિયા કરી હતી. આવી કંપનીઓને અમે કિંમત ઓછી કરવા સૂચના આપી દીધી છે. 


આજથી 100 ટકા ક્ષમતા સાથે ઉડી શકશે ઘરેલુ વિમાન


 કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ સરકારે ફ્લાઇટ્સમાંથી ક્ષમતા મર્યાદા દૂર કરવાનો નિર્ણય કર્યો છે, હવે વિમાન સંપૂર્ણ ક્ષમતા સાથે ઉડાન ભરશે જે આજથી અમલમાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, આજથી સ્થાનિક કોમર્શિયલ ફ્લાઇટમાં મુસાફરોની ક્ષમતા પરના પ્રતિબંધો દૂર કરવામાં આવશે.



આ સાથે, ફ્લાઇટ્સ સંપૂર્ણ ક્ષમતાથી સંચાલિત થઈ શકશે, આ છૂટ સાથે સરકારે મુસાફરોને સમગ્ર કોરોના નિયમોનું પાલન કરવાનું કહ્યું છે. સપ્ટેમ્બરમાં સરકારે સ્થાનિક ફ્લાઇટ્સની મુસાફરી ક્ષમતા 72.5 ટકાથી વધારીને 85 ટકા કરી હતી, જુલાઇમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય (એમઓસીએ) એ સ્થાનિક ફ્લાઇટ્સની ક્ષમતા 50 ટકાથી વધારીને 65 ટકા કરી હતી.



કોરોનાને કારણે 23 માર્ચ 2020 થી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, પરંતુ મે 2020 થી વંદે ભારત મિશન હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચલાવવામાં આવી રહી છે. આ સિવાય, પસંદગીના દેશો સાથે 'દ્વિપક્ષીય' એર બબલ 'વ્યવસ્થા હેઠળ જુલાઈ, 2020 થી ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જો કે, આજથી 100 ટકા ક્ષમતા સાથે ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી.