અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં નવ નિયુક્ત 7 જજીસનો શપથવિધિ સમારોહ સોમવારે સવારે યોજાયો હતો. ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે 7 નવ નિયુક્ત જજીસને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ મોના ભટ્ટ, જસ્ટિસ સમીર દવે, જસ્ટિસ હેમંત પ્રચ્છક, જસ્ટિસ સંદીપ ભટ્ટ, જસ્ટિસ અનિરુદ્ધ માયી, જસ્ટિસ નિરલ મેહતા અને જસ્ટિસ નિશા ઠાકોરની હાઈકોર્ટના જજ તરીકે શપથવિધી થઈ છે. આ શપથ વિધિ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ બેલા ત્રિવેદી પણ ઉપસ્થિત રહયા હતા.
આ સાથે જ હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના સિનિયર એડવોકેટ્સ, મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ 7 નવા જજીસની નિયુક્તિ બાદ હાઇકોર્ટના કુલ જજીસની સંખ્યા 31ની થઈ છે. હાઇકોર્ટમાં કુલ 52 જજીસમાંથી હવે 31 જજીસની પોસ્ટ ભરાયેલી છે.
આ પ્રસંગે ઉપસ્થિત કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ નવી નિમણૂકોથી ન્યાય વ્યવસ્થા સુદ્રઢ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ સાથે જ હાઇકોર્ટ સાથે સંકલન કરીને કોર્ટના હુકમની નકલ સીધી જ સરકારી વિભાગને મળી રહે એવી નવી વ્યવસ્થા ઉભી કરવાની જાહેરાત કરી.
રાજેન્દ્ર ત્રિવેદી (કાયદા મંત્રી)એ કહ્યું કે, હાઇકોર્ટમાં જજીસ નિમણૂક થઈ તે આનંદની વાત છે. નવા 7 જજીસની નિમણૂક ને હું ન્યાયપાલિકા માટે લકી 7 ગણાવીશ. નવા જજીસ આવવાથી ન્યાય વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. હાઇકોર્ટના સંકલનમાં સરકાર નવી વ્યવસ્થા ઉભી કરી રહી છે, જેમાં હાઇકોર્ટના ચુકાદા ની નકલ સીધી જ સરકારના સંલગ્ન વિભાગને મળશે, જેનાથી એ ચુકાદો સ્વીકારી લેવો કે ચુકાદા સામે ઇપલી ની અદાલતમાં અપીલ કરવી તેનો ત્વરિત નિર્ણય થઈ શકશે. આના કારણે સરકાર કે અન્ય પક્ષકારને સમયના વિલંબમાંથી રાહત મળશે અને ન્યાયની પ્રક્રિયા સુદ્રઢ બનશે. આ નવી વ્યવસ્થાથી સરકાર પર આવતું ભારણ પણ ઘટશે અને પક્ષકારોને ઝડપી ન્યાય મળશે. તેમણે કહ્યું કે, ન્યાય તંત્રને જરૂરી તમામ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ છે.