ગુજરાતના આ જિલ્લામાં બહારથી હજારો લોકો આવી જતાં કોરોનાનો ખતરો, સુરત-અમદાવાદથી કેટલાં લોકો આવ્યાં ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 May 2020 10:01 AM (IST)
લોકો હિજરત કરતા આ જિલ્લાના ગામોમાં કોરોના વાયરસનો ચેપ ફેલાવાનો ભય ઉભો થયો છે.
ગાંધીનગરઃ ગુજરાતના બીજા જિલ્લા પરપ્રાંતિય મજૂરો હિજરત કરીને જતા રહેતાં પરેશાન છે ત્યારે પાટણ જિલ્લામાં અવળી ગંગા જોવા મળી રહી છે. પાટણ જિલ્લામાં રિવર્સ માઈગ્રેશન વધી રહ્યું છે અને તેના કારણે ઉભા થયેલા કોરોનાવાયરસનો ચેપ લાગવાનું જોખમ ઉભું થતાં લોકો ફફડતા જીવે જીવી રહ્યાં છે. આ બહારથી આવેલાં લોકોના કારણે પાટણ જિલ્લામાં રહેતાં લોકો પર મોટું જોખમ ઉભું થયું છે. કોરોનાના કેર વધતાં લોકડાઉન લાદવામાં આવતાં પાટણ જિલ્લામાં બહારથી 8496 લોકો આવ્યા છે. આ તમામ લોકોને તંત્રની નજર હેઠળ હોમ કવોરોન્ટાઇન કરાયા છે પણ છતાં લોકો ડરી રહ્યાં છે. છેલ્લા એક માસમાં સુરતથી 2550 અને અમદાવાદથી 936 લોકો પાટણ જિલ્લામાં આવ્યા છે. આ કારણે જિલ્લાના ગામોમાં કોરોના વાયરસનો ચેપ ફેલાવાનો ભય ઉભો થયો છે.