મહેસાણાઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે સપાટો બોલાવીને ઉત્તર ગુજરાતના દિગ્ગજ સહકારી આગેવાન વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. દૂધ સાગર ડેરીની ચૂંટણી પહેલા મોટું પગલું ભરીને રાજ્યની સીઆઈડી ક્રાઈમ દ્વારા વિપુલ ચૌધરીની ધરપકડ કરાઈ છે. વિપુલ ચૌધરીની રૂપિયા 22 કરોડના સાગર દાણ કૌભાંડ મામલે ધરપકડ કરાતાં ખળભળાટ મચ્યો છે. વિપુલ ચૌધરીની મોડી રાત્રે ગાંધીનગરથી ધરપકડ કરવામાં આવી હતી. દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલા વિપુલ ચૌધરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

મહેસાણાની દૂધસાગર ડેરીમાં  સોમવારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી  જાહેર થવાની શક્યતા છે. એ પહેલાં જ ચૌધરીને જેલભેગા કરી દેવાયા છે. જેરી પર પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા માટે ચૂંટણી પહેલાં વિપુલ ચૌધરી જૂથે માસ્ટર સ્ટ્રોક ફટકારીને 350 મતદારને પંજાબ રવાના કરી દીધા હતા. જિલ્લાના દરેક તાલુકામાંથી એક બસ પંજાબ રવાના કરાઈ હતી. ચૌધરી જૂથે ગત 2 ડિસેમ્બરથી મતદારોનો પંજાબમાં કેમ્પ નાંખીને વિપુલ ચૌધરી જૂથ દ્વારા દરેક તાલુકામાંથી 50 મતદારો પંજાબ લઈ જવાયા હતા. તેના કારણે આ ધરપકડ કરાઈ હોવાનું મનાય છે.