રૂપાલાએ કહ્યું, “ખેડુતોનું આંદોલન અને તેમની માંગ અસ્થાને છે. ખેડુતોનાં આંદોલનનાં મંચનો ઉપયોગ વિરોધીઓ કરી રહ્યાં છે. મેઘા પાટકર જેવા લોકો અને કૉંગ્રેસ આ આંદૌલન મા સામેલ થયાં છે. અમે સ્વીકારીએ છીએ કે કૃષિ કાયદાને ખેડુતો સુધી અમે સરખી રીતે ન પહોંચાડી શક્યા. ખેડુતોને બિલનાં હકારાત્મક મુદ્દાઓ અમે ન સમજાવી શક્યા. એમએસપી, ખેતી જમીન અને એપીએમસી ની વ્યવસ્થા મા કોઈ બદલાવ થવાનો નથી.”
શનિવારે એક સંસ્થાના કાર્યક્રમમાં બોલતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજે ભારતનું કૃષિક્ષેત્ર પહેલાં કરતાં વધુ ગતિશીલ છે. આજે ખેડૂતો પાસે પણ મંડીઓની બહાર વેચવાનો વિકલ્પ છે. તેઓ ડિજિટલ માધ્યમ પર પણ ખરીદી અને વેચાણ કરી શકે છે. ખેડૂત સમૃદ્ધ થાય તો દેશનો વિકાસ થાય. કૃષિક્ષેત્રમાં થયેલા સુધારાનો સૌથી વધુ લાભ ખેડૂતોને થશે. કૃષિ અને એની સાથે જોડાયેલાં ક્ષેત્રો, જેમ કે ફૂડ પ્રોસેસિંગ, કોલ્ડ ચેઈન સહિતનાં ક્ષેત્ર વચ્ચે દીવાલો હતી. હવે એ અંતરાયો દૂર થઈ રહ્યા છે. હવે ખેડૂતોને નવાં બજારો અને નવા વિકલ્પો મળશે. ખેતીમાં વધુ રોકાણ થશે.
તેમણે એમ પણ કહ્યું કે, આપણા દેશમાં કૃષિક્ષેત્રે રોકાણ કરવું હતું એટલું થયું નથી. આપણે અહીં કોલ્ડસ્ટોરેજની સમસ્યા છે. ખાતરની સમસ્યા છે, એ આયાત કરવામાં આવે છે. આ માટે સાહસિકોએ આગળ આવવું જોઈએ. ખેડૂતોને જેટલો વધુ ટેકો મળશે અને જેટલું આપણે વધુ રોકાણ કરીશું તેટલો ખેડૂત અને દેશ વધુ મજબૂત બનશે.