Gujarat Weather Update: આગામી 3 કલાકમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યના કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 40 kmph કરતાં ઓછી રહેવાની સંભાવના છે.
તો બીજી તરફ હવામાન ખાતાની આગાહી વચ્ચે જામનગરના લાલપુર પંથકમાં વાતવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન વીજળીમાં કડકા વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ચાર થાંબલા, સહકાર પાર્ક, ઉમા ધામ સોસાયટી, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના કારણે ઉનાળુ તલ, અડદના પાકને નુકસાનની ભીતિ છે.
વડોદરાના વાતાવરણમાં પલટો
વડોદરાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા છે. તો કેટલાક વિસ્તારમાં પવન સાથે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ કમોસમી માવઠું પડ્યું છે. રાવપુરા, સયાજીગંજ, ફતેહગંજ, કારેલીબાગ, હરણી, આજવા રોડ સહિતના વિસ્તારમાં કમોસમી માવઠું પડ્યું છે.
રાજ્યમાં માવઠાની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી હતી. મળતી જાણકારી અનુસાર, આજથી 30 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેની અસર બુધવારથી જ જોવા મળી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બુધવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો તો આજથી 30 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, દાહોદ, સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાં, ડાંગ, નર્મદા, તાપી, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
બુધવારે પણ જોવા મળ્યો હતો વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે.
હવામાન વિભાગની આગાહી બાદ અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમા બોપલ વિસ્તારમાં હાલ વરસાદી છાંટા પડ્યા છે. આગામી 3 કલાકમાં શહેરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.