ગાંધીનગરઃ હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યો છે. રાજકોટ, અમરેલીમાં સામાન્ય વરસાદ પડશે તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન ફૂંકાવાના કારણે 28થી 29 મેના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે. જખૌ, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગરના દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 27થી 29 મેના રોજ દરિયામાં પવન ફૂંકાશે. જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગે આપી છે. દરિયામાં પવનની 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા હોવાના કારણે દરિયો તોફાની બનશે. જેના કારણે જખૌ, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર સહિતના વિસ્તારોના માછીમારોને અગમચેતીના ભાગરૂપે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
ઉપરાંત હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વલસાડના વાપી, ઉમરગામ, કપરાડા, પારડીના વિસ્તારોમાં સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો. કપરાડા અને પારડીમાં પવન સાથે વરસાદ વરસતા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. બીજી તરફ કેરી પકવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.