અમદાવાદ: હવામાન વિભાગે અમદાવાદમાં હજુ વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે એ જોતાં ઉત્તર તથા મધ્ય ગુજરાત સિવાયના રાજ્યના બાકીના વિસ્તારોમાં નવરાત્રિનો રંગ બગડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે એટલે કે 11 ઓક્ટોબરે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં, દીવમાં વરસશે.
દક્ષિણ-પશ્ચિમી ચોમાસું ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર થઈને વિદાય તરફ આગળ વધી રહ્યું છે એ જતાં જતાં નવરાત્રિનો રંગ બગાડશે.
અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. ભાદરવા માસમાં આકરો તાપ પડે પરંતુ ત્યારે ચોમાસાનો બાકી રહી ગયેલો વરસાદ પડયો હતો. તેના કારણે હવે આસો માસમાં ભાદરવા માસનો તડકો પડી રહ્યો છે. ટૂંકમાં ઋતુ ખેંચાઈ ગઈ છે.
તા.12ના રોજ હળવાથી મધ્યમ વરસાદ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં વરસશે.
તા.13ના રોજ હળવાથી મધ્યમ વરસાદ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં વરસશે.
તા.14 અને 15ના રોજ વાતાવરણ સુક્કું રહેશે.
પાછોતરા વરસાદથી પાકને નુકશાન
રાજ્યમાં પડી રહેલા પાછોતરા વરસાદના કારણે મગફળી,સોયાબીન અને બાજરી સહિતના પાકને નુકશાન થતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર, સૂત્રાપાડા, વેરાવળ, ગીરગઢડા સહિતના વિસ્તારમાં આફતરૂપી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે.
ખેડૂતોના મતે મગફળીનો પાક તૈયાર થઈ ગયો હતો પાકની લલણીના સમયે જ વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે. પાછોતરા વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવી લીધો. ન માત્ર મગફળી પરંતુ અડદ,મગ,સોયાબીન સહિતના પાકને નુકસાન થયું છે.