ગાંધીનગર: હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યમાં ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની કોઈ શક્યતાઓ જોવા મળી રહી નથી. જો કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અનેક પંથકમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ સેવી છે. રાજ્યના ખેડૂતો માટે વધુ એક ચિંતાના સમાચાર છે કારણ કે રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા પાક સુકાવા લાગ્યો છે. પાક બચાવવા મેઘરાજા વરસે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવામાન વિભાગે આગાહી કરી કે 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં સારા વરસાદની કોઈ શક્યતા નથી. એટલે કે હજુ પાંચ દિવસ વરસાદ પડવાની કોઈ શક્યતા નથી.
રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસેલા કુલ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં કુલ 12 ઈંચ જેટલો વરસાદ વરસ્યો. જે સિઝનનો કુલ 36.07 ટકા જેટલો થાય છે. રાજ્યના બે તાલુકા એવા છે જ્યાં શૂન્યથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો. તો 27 તાલુકામાં બેથી પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો. રાજ્યના 92 તાલુકા એવા છે જ્યાં પાંચથી દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો તો 100 તાલુકામાં સિઝનનો દસથી 20 ઈંચ જેટલો વરસાદ વરસ્યો. રાજ્યના 26 તાલુકામાં 20થી 40 ઈંચ જેટલો વરસાદ વરસ્યો તો રાજ્યના ચાર તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અલગ અલગ ઝોનની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં કુલ પોણા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. જે સિઝનનો કુલ 31.74 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો કુલ નવ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જે સિઝનનો કુલ 31.18 ટકા વરસાદ છે. મધ્યગુજરાતમાં સિઝનનો કુલ 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જે સિઝનનો કુલ 34.03 ટકા વરસાદ થાય છે.
સૌરાષ્ટ્રમાં સિઝનનો કુલ પોણા દસ ઈંચ વરસાદ વરસ્યો છે. જે સિઝનનો અત્યાર સુધીો કુલ 33.60 ટકા વરસાદ છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો કુલ 23 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જે સિઝનનો કુલ 39.94 ટકા જેટલો થાય છે.