BANASKANTHA: ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં આવેલી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર શિયાળાની શરૂઆત થતાં જ સાઈબેરિયાથી પક્ષીઓ સ્થળાંતર કરીને આવતા હોય છે. ભારત પાકિસ્તાનની સરહદ પર નડાબેટ નજીક આવેલું નડાબેટનું અફાટ રણ શિયાળામાં આ પ્રવાસી પક્ષીઓનું આશ્રય સ્થાન બની જાય છે અને તેને નિહાળવા માટે દૂર દૂરથી લોકો પણ આવતા હોય છે.
આ પક્ષીઓનું મૂળ નિવાસ સ્થાન સાઈબેરિયા છે
રશિયાના સાઈબેરિયા વિસ્તારમાં વિશ્વનો સહુથી ઠંડો વિસ્તાર માનવામાં આવે છે. શિયાળામાં આ વિસ્તાર એકદમ નિર્જન બની જાય છે. ત્યારે આ વિસ્તારમાં વસતા પક્ષીઓ આ ઠંડીમાં ઠંડીથી બચવા અને ખોરાકની શોધમાં સ્થળાંતર કરે છે. ત્યારે સાઈબેરિયામાં વસતા યાયાવર નામના પક્ષીઓની પ્રજાતિ પણ શિયાળાની શરૂઆત થતાં જ સ્થળાંતર કરતી હોય છે. આ પક્ષીઓનું મૂળ નિવાસ સ્થાન સાઈબેરિયા છે પરંતુ શિયાળામાં સાઈબેરિયામાં ઠંડીનું પ્રમાણ વધી જતું હોવાના લીધે આ પક્ષીઓ બનાસકાંઠા જિલ્લાના મહેમાન બને છે.
ભારત પાકિસ્તાનની સરહદ નજીક આવેલું છે નડાબેટ
બનાસકાંઠા જિલ્લામાં પ્રશ્ચિમે આવેલી ભારત પાકિસ્તાનની સરહદ નજીક આવેલું નડાબેટનું રણ ચોમાસામાં પાણીથી ભરાઈ જતું હોય છે અને શિયાળામાં ખૂબ જ ઠંડુ બની જાય છે.. ત્યારે આ વિસ્તારની આબોહવા એકદમ સૂકી અને સાઈબેરિયાની આબોહવાને મળતી આવતી હોવાથી યાયાવર નામના આ પક્ષીઓ માઈગ્રેટ થઈને નડાબેટ નજીક આવેલા અફાટ રણમાં આવે છે.
પક્ષીઓના આકર્ષણને નિહાળવા માટે દૂર દૂરથી પક્ષીપ્રેમીઓ પણ આવે છે
આ રણમાં ચોમાસામાં ભરાયેલા પાણીમાં માછલીઓ પણ પ્રચુર માત્રામાં હોવાથી યાયાવર નામના આ પક્ષીઓને ખોરાક પણ આસાનીથી મળી રહે છે.. અને અહી જ આ પક્ષીઓ પ્રજનન પણ કરે છે.. ત્યારબાદ માર્ચ મહિનાની શરૂઆત થતાં જ આ રણમાં તાપમાનનો પારો ઊંચો જવાથી પક્ષીઓ ફરીથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને સાઈબેરિયા પહોંચી જતાં હોય છે. આમ ઓક્ટોબર માસથી ફેબ્રુઆરી સુધી આ પક્ષીઓ ગુજરાતના નડાબેટમાં આવેલા રણને જ પોતાનું નિવાસ બનાવી નાંખે છે.. અને આ વિદેશી પક્ષીઓના આકર્ષણને નિહાળવા માટે દૂર દૂરથી પક્ષીપ્રેમીઓ પણ આવતા હોય છે. ગુજરાત સરકાર પણ આ વિદેશી પક્ષીઓના આકર્ષણને લઈ આ વિસ્તારનો વિકાસ પ્રવાસન વિભાગ તરીકે કરી રહી છે.