અમદાવાદ: AIMIMના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીને ગુજરાતમાં જડબાતોડ જવાબ મળ્યો છે. વકફ એમેન્ડમેન્ટ 2024ની જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટી જ્યારે સૂચનો મેળવવા ગુજરાત પહોંચી ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવતા ચકમક ઝરી છે. સૂત્રોનું માનીએ તો ઓવૈસીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગનો મુદ્દો ઉઠાવતા જ હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે ચકમક ઝરી હતી.
જેપીસી સમક્ષ કરેલી રજૂઆત બહાર સ્પષ્ટ રીતે ન કહી શકાતી હોવાના કારણે સંઘવીએ ખુલીને તો મીડિયા સાથે વાત ન કરી પરંતુ સૂત્રોનું માનીએ તો સુરત મહાનગરપાલિકાના બિલ્ડિંગ સહિત અનેક સંપત્તિના નિર્ણયો વકફ બોર્ડ એક તરફી લેતી હોવાની રજૂઆત કરાઈ છે. રાજ્યમાં 45 હજાર કરતા વધુ મિલકત વકફ બોર્ડ પાસે છે. જેમા સ્થાવર મિલકત 39 હજારથી વધુ છે. કબ્રસ્તાન, મસ્જિદ, મદરેસા જ નહી પરંતુ રહેણાંક ઘર, દુકાનો, પ્લોટ, તળાવ, ખેતી લાયક જમીનોનો પણ તેમા સમાવેશ થાય છે.
એ જ કારણ છે કે એક તરફી નિર્ણય લેવાતા હોવાના કારણે વકફ પાસે કરોડો અરબોની સંપત્તિ તો થઈ પરંતુ રાજ્યના નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવાતા હોવાની પ્રતિતિ થતી હોવાની પણ સંઘવીએ રજૂઆત કરી હોવાની સૂત્રો તરફથી જાણકારી મળી છે. સુરત મહાનગરપાલિકાએ 2021માં વકફ ટ્રિબ્યુનલ ગાંધીનગરમાં રજૂઆત કરી સ્પષ્ટ કર્યું હતુ કે એ સંપત્તિ પર વર્ષોથી મહાનગરપાલિકાનો કબજો છે અને ક્યારે કોઈ દાવો કર્યો નહોતો. અને આ જ રીતે અનેક સંપત્તિઓને લઈ વકફના નિર્ણયના કારણે વિવાદો થતા રહ્યા છે.
વકફ એક્ટ 1995માં અમલમાં આવ્યો છે અને એક્ટ અમલમાં આવ્યા બાદ SMCની એ સંપત્તિ માટે 21 વર્ષ બાદ અરજી કરવામાં આવી. સૂત્રોનું માનીએ તો સંઘવીએ અનેક ઉદાહરણો ટાંક્યા અને વકફ કાયદામાં એમેન્ડમેન્ટ કેમ છે તે મુદ્દે કેંદ્રના નિર્ણયને સંપૂર્ણ અને તર્ક સાથે સમર્થન આપ્યું ત્યારે ઓવૈસી ઉકળ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સ્વભાવિક રીતે સંઘવીએ જે પ્રકારનો સ્પષ્ટ મત મૂક્યો અને ઓવૈસી અકળાયા તેનાથી કેટલાકના પેટમાં તેલ પણ રેડાયું છે. જેપીસી સમક્ષ રજૂઆત બાદ હર્ષ સંઘવીએ કાનૂનની તેમજ જેપીસીની મર્યાદામાં રહી મીડિયાને પ્રતિક્રિયા આપી તો હરહંમેશ બોલતા રહેલા ઓવૈસી હવે બહાર શું બોલશે તેને લઈ ચર્ચા છે.