ટામેટાના વધતા ભાવના કારણે લોકો પરેશાન છે તો બીજી તરફ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. ટામેટાના વધતા ભાવ મુદ્દે  મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ટામેટા જ એક માત્ર ખાવાની ચીજ નથી. સમય બદલાશે ત્યારે ભાવ કાબૂમાં આવશે. સપ્લાય વધશે ત્યારે ટામેટાના ભાવ નીચા આવશે.




ટામેટાના વધતા ભાવ મુદ્દે ઋષિકેશ પટેલના નિવેદનથી મહિલાઓ ગુસ્સે થઇ હતી. ગૃહિણીઓએ કહ્યું હતું કે ટામેટા જ નહીં, અન્ય શાકભાજી પણ મોંઘા છે. તેઓએ સવાલ કર્યો હતો કે મંત્રી જવાબ આપે શું સસ્તું છે જેને ખાઈ શકીએ. મંત્રીને શું જાણકારી હોય કે રસોઈમાં શાની જરૂર હોય છે. મહિલાઓએ કહ્યું કે ટામેટાના વધુ ભાવ હોવાના કારણે અમારુ બજેટ બગડી ગયું છે. ભાવ વધારાથી મધ્યમવર્ગને ફટકો પડે છે.



દેશમાં મોંઘા ટામેટાંથી છુટકારો મેળવવા માટે Paytm પણ મેદાનમાં ઉતર્યું છે. કંપની હવે 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાંનું વેચાણ કરશે. આ માટે કંપનીએ NCCF, ONDC સાથે હાથ મિલાવ્યા છે. Paytm ઈ-કોમર્સ પ્રાઈવેટ લિમિટેડ (PEPL) એ મંગળવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તેણે દિલ્હી-NCRમાં 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવા માટે ONDC અને NCCF સાથે ભાગીદારી કરી છે. 


કેન્દ્ર સરકારની સહકારી સંસ્થાઓ નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન (NCCF) અને NAFED પહેલેથી જ દિલ્હી-NCR અને પસંદગીના શહેરોમાં મોબાઈલ વાન દ્વારા છૂટક ગ્રાહકોને 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાંનું વેચાણ કરી રહી છે. એક નિવેદનમાં, PEPL એ કહ્યું કે તે દિલ્હી-NCRમાં Paytm ONDC પર વપરાશકર્તાઓને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન (NCCF) દ્વારા 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાંનું વેચાણ કરશે.


આ સાથે, વપરાશકર્તાઓ Paytm એપ પર ONDC દ્વારા ફ્રી ડિલિવરી સાથે માત્ર 140 રૂપિયામાં દર અઠવાડિયે બે કિલો ટામેટાં (ટામેટાની નવીનતમ કિંમત) ખરીદી શકે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પગલાથી વપરાશકર્તાઓને ફાયદો થશે કારણ કે કેટલાક શહેરોમાં ટામેટાંના છૂટક ભાવ રૂ. 200 પ્રતિ કિલોને વટાવી ગયા છે.                                                            


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial