MLA Jagdish Makwana: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આયોજિત માતાજીના એક માંડવા સમયનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે રાજકીય વર્તુળો અને સામાન્ય લોકોમાં ભારે ચર્ચા જાગી છે.

વાયરલ વિડિયોમાં વઢવાણના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા એક ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. આ વિડિયોમાં જગદીશ મકવાણા બે મહિલાઓ પર રૂપિયા ઉડાવતા નજરે પડે છે, જેઓ માતાજી આવ્યા હોય તેમ ધુણી રહ્યા છે. આ મહિલાઓને 'ભુવા' તરીકે ઓળખવામાં આવે છે.

વિડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જગદીશ મકવાણા ધુણી રહેલી મહિલાઓ પર પૈસા ઉડાવી રહ્યા છે. આ વિડિયો વાયરલ થતાં જ લોકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે શું જનપ્રતિનિધિઓ પણ અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખે છે? લોકશાહીમાં ચૂંટાયેલા નેતાઓ પાસેથી લોકો તર્કબદ્ધ અને વૈજ્ઞાનિક અભિગમની અપેક્ષા રાખતા હોય છે, ત્યારે આવા વિડિયોથી લોકોમાં ભિન્ન ભિન્ન પ્રતિક્રિયાઓ આવી રહી છે.

પ્રાથમિક માહિતી મુજબ, આ વાયરલ વિડિયો ચૈત્ર મહિના દરમિયાન આયોજિત કોઈ માતાજીના માંડવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચૈત્રી મહિના નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં માતાજીના માંડવાઓનું વ્યાપક પ્રમાણમાં આયોજન થતું હોય છે.

આ વીડિયો અંગે જગદીશ મકવાણા તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. જોકે, સોશિયલ મીડિયા પર આ વિડિયોને લઈને ટીકા અને સમર્થન બંને પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.