બનાસકાંઠા: ભૂગર્ભજળ ઊંડા જતા ગ્રામલોકો દ્વારા અનોખો નિર્ણય કર્યો. દીયોદરના ભાજપ ધારાસભ્ય કેશાજી ચૌહાણ દ્વારા જાહેરમાં પાઘડી અને ફૂલહારનું સન્માન નહીં સ્વીકારવાનું નિર્ણય કરાયો હતો. કેશાજીના આ નિર્ણયને હવે ગામડે ગામડે સમર્થન મળી રહ્યું છે. લાખણી અને દિયોદર પંથકના ત્રણ ગામોએ ધારાસભ્યને વ્યક્તિગત શુભ અને ધાર્મિક પ્રસંગે આમંત્રણ નહીં આપવાનો નિર્ણય કરાયો છે.


સમગ્ર ઉત્તર ગુજરાતમાં માત્ર 11 ટકા ભૂગર્ભ જળ હોવાના દાવા વચ્ચે હવે લાખણી તાલુકાના લવાણા, કુડા, મોજરુ ગામના લોકોએ અનોખો નિર્ણય કર્યો. ધારાસભ્ય કેશાજી ચૌહાણ થોડા દિવસ અગાઉ ભૂગર્ભ જળના પ્રશ્નને લઈને નિવેદન આપ્યું હતું. કેશાજી ચૌહાણએ દિવસેને દિવસે ઘટતા જતા ભૂગર્ભજળને લઈને પોતે જાહેર કાર્યક્રમોમાં પાઘડી અને ફૂલહારનું સન્માન નહીં સ્વીકારવાનો સત્યાગ્રહ આદર્યો છે. જેના પગલે દિયોદર પંથક અને લાખણી પંથકના લવાણા કુડા અને મોજરુ ગામે સિંચાઈના પાણી ઊંડા જતા મધ્યમ વર્ગના લોકો અને નાના ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


તો બીજી તરફ 1000 થી 1200 ફૂટ ભૂગર્ભજળ જતા ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એક જ ખેતરમાં પાંચ-પાંચ બોર ફેલ જતા ખેતી કરવી મુશ્કેલ બની છે. તો બીજી તરફ સરકાર દ્વારા ભૂગર્ભજળને ઊંચા લાવવા અનેક યોજનાઓ બહાર લાવી છે. પરંતુ છેવાડાના ગામડા સુધી આ યોજનાનો લાભ નથી મળી રહ્યો. સુજલામ સુફલામ અંતર્ગત તળાવો ભરવા, નર્મદાની નહેર છેવાડાના ગામડા સુધી પહોંચાડવી, સુજલામ સુફલામ કાચી નહેરમાં પાણી ચાલુ રાખવું, બનાસ નદીને જીવંત રાખવી,રેલ નદીમાં નર્મદાનું પાણી નાખે તેવા અનેક પ્રયાસો થકી ભૂગર્ભજળ ઊંચા આવે તેમ છે. પરંતુ હાલ સિંચાઈના પાણીની અછત ઊભી થતા પરિસ્થિતિ વિકટ બની છે અને હવે આ ભૂગર્ભ જળના સમસ્યાને પહોંચી વળવા ધારાસભ્યને કામ માટે સમય મળે એટલે અનેક ગામડાઓ પોતે સામાજિક કે ધાર્મિક પ્રસંગે ધારાસભ્યને ગામમાં ના બોલાવવાનું નિર્ણય કર્યો છે.


તો બીજી તરફ સિંચાઈના પાણીની અછતથી લવાણા સહિતના ગામોમાં હવે પરિવારો હિજરત કરવા મજબૂર બન્યા છે. લાખણી તાલુકાના લવાણા ગામે મધ્યમ વર્ગના લોકો અને નાના ખેડૂતો ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. ગુજરાન ચલાવવા માટે લવાણા ગામના 50થી વધુ પરિવારો હિજરત કરી અન્ય વિસ્તારમાં જવાની ફરજ પડી છે. છેલ્લા ચાર વર્ષથી ઘટતા જતા ભૂગર્ભ જળને લઈને એક જ પરિવારના 10 થી વધુ લોકો હાલ ધંધા અર્થે પરિવાર છોડી ખેતરો છોડી બહાર નીકળી ચૂક્યા છે. ભૂગર્ભજળને લીધે સિંચાઈના પાણી માટે અછત ઊભી થતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.


બનાસકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભૂગર્ભજળની સમસ્યા દિયોદર, લાખણી,ડીસા,પાલનપુર અને ધાનેરામાં વધુ પડતી જોવા મળી રહી છે. આ વિસ્તારમાં નથી કોઈ કેનાલની વ્યવસ્થા કે નથી કોઈ સિંચાઈના પાણીની વ્યવસ્થા સતત ઘટતા જતા ભૂગર્ભજળને લઈને આ વિસ્તારના ખેડૂતો પણ પરેશાન છે. 1000 થી 1200 ફૂટ ભૂગર્ભજળ ઉંડા જતા સિંચાઈના પાણી માટે અછત ઊભી થઈ છે અને સરકાર પાસે સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવા ગુહાર લગાવી રહ્યા છે ત્યારે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ દ્વારા ભૂગર્ભજળના સમસ્યાના સમાધાન માટે સત્યાગ્રહ આદર્યો છે.