અમદાવાદ: બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. 25મી જુને પુરા થતાં 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા પ્રમાણે છોટાઉદેપુરના પાવી જેતપુરમાં સૌથી વધારે ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આવતાં સુરતમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 26 જિલ્લાના 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ચાર ઈંચ વરસાદ છોટાઉદેપુરના પાવીજેતપુરમાં નોંધાયો છે. ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો કચ્છમાં સરેરાશ 7 મીમી, ઉત્તર ગુજરાતમાં સરેરાશ ત્રણ મીમી, પૂર્વ-મધ્ય ગુજરાતમાં સરેરાશ 14 મીમી, સૌરાષ્ટ્રમાં સરેરાશ બે મીમી, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ સાત મીમી વરસાદ નોંધાયો છે.

પાવી જેતપુરમાં 102 મીમી, સુરત-69 મીમી, રાપર-66 મીમી, છોટાઉદેપુર-66 મીમી, શહેરા-66 મીમી, ગોધરા-65 મીમી, નિઝર-54 મીમી, વિરપુર (મહિસાગર) - 49 મીમી, બોડેલી - 43 મીમી, જાંબુઘોડા - 42 મીમી, સોનગઢ - 51 મીમી, ઓલપાડ - 40 મીમી, કડી - 30 મીમી અને ઘોઘંબા - 35 મીમી વરસાદ નોંધાયો હતો.

મહત્વની વાત એ છે કે, રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે હવામાન વિભાગ તરફથી હજી બે દિવસ સુધી રાજ્યમાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.