અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસ તરફથી રાજ્યસભાની બંને બેઠકો માટે અલગ અલગ મતદાન ન કરવાની અરજી કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે હાલ પુરતી કોંગ્રેસની અરજીની સુનાવણીનો ઈન્કાર કરી દીધો છે. હવે પાંચમી જુલાઈના રોજ ગુજરાતની રાજ્યસભાની બંને બેઠકો માટે અલગ અલગ મતદાન યોજાશે અને સાંજે જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે આ મામલે કોંગ્રેસની અરજીની સુનાવણી ટળી જતાં ચૂંટણીની કાર્યવાહીમાં દખલ દેવાનો ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે ગુજરાત રાજ્યસભાની બંને બેઠકો માટે ભાજપના બંને ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.


રાજ્યસભાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. આગામી પાંચમી જુલાઈના રોજ હવે આ બંને બેઠક માટે ચૂંટણી યોજાશે. ભાજપે બંને બેઠક માટે વિદેશમંત્રી એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે.