ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વહેલી સવારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 75 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગાંધીનગરના દહેગામમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

ગુજરાતના 6 જિલ્લામાં ગત રાત્રિથી નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ અને મહીસાગરમાં ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદમાં તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ તુટી પડ્યો હતો. અમદાવાદમાં સરેરાશ 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સવારે 4 વાગ્યાથી વીજળીના ચમકારા સાથે વરસાદ ખાબકતાં અમદાવાદમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.

ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજથી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું છે. આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. ત્યારે આજે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિતના જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ભારે વેરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, નર્મદા અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

દહેગામમાં 3 ઈંચ
સાબરકાંઠાના તલોદમાં 2.6 ઈંચ
અમદાવાદ શહેરમાં 2 ઈંચ
વલસાડના કપરાડામાં 2 ઈંચ
કચ્છના નખત્રાણામાં 2 ઈંચ
અરવલ્લીના માલપુરમાં પોણા બે ઈંચ