સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે વહેલી સવારે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે વરસાદના કારણે રસ્તાઓ, ખેતરો સહિતની જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં. હવામાન વિભાગે અગાઉ ભારે વરસાદની આગાહી કરી હતી.


વહેલી સવારે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ઘણી જગ્યાએ તો જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું હતું.

વહેલી સવારે અમદાવાદમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ તુટી પડ્યો હતો. અમદાવાદમાં સરેરાશ દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં સૌથી વધુ વરસાદ મેમ્કો અને નરોડામાં નોંધાયો હતો મેમ્કો અને નરોડામાં અઢી-અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.

સાબરકાંઠા જિલ્લામાં મોડી રાતે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. તલોદમાં અઢી ઈંચ, હિંમતનગર, વડાલી, ઈડર, પ્રાંતિજમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતો.

મહેસાણા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. કડીમાં એક ઈંચ, મહેસાણા શહેરમાં સવા ઈંચ, જોટાણામાં દોઢ ઈંચ, વડનગરમાં અડધો ઈંચ, વીજાપુરમાં પોણો ઈંચ નોંધાયો હતો. બહુચરાજીમાં ચંડોળા, સોનપુરા, મંડાલીમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. જ્યારે મંડાલી, શંખલપુરમાં વરસાદી પાણી ભરાયા હતા.

બોટાદ જિલ્લામાં સતત 11માં દિવસે વરસાદ જોવા મળ્યો હતો. બોટાદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો જેના કારણે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતાં.

દક્ષિણ ગુજરાતમાં પણ વહેલી સવારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ડાંગ જિલ્લામાં વહેલી સવારે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગાંધીનગર જિલ્લામાં વહેલી સવારે વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો. ગાંધીનગરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતાં. કલોલ, ભાટ ગામ અને દહેગામમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

અરવલ્લી જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેમાં જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં માલપુરમાં બે ઈંચ, મોડાસામાં દોઢ ઈંચ, બાયડમાં એક અને માલપુર-ધનસુરામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.

દહેગામમાં 3 ઈંચ
સાબરકાંઠાના તલોદમાં 2.6 ઈંચ
અમદાવાદ શહેરમાં 2 ઈંચ
વલસાડના કપરાડામાં 2 ઈંચ
કચ્છના નખત્રાણામાં 2 ઈંચ
અરવલ્લીના માલપુરમાં પોણા બે ઈંચ