Rain News: ગુજરાત રાજ્યમાં ચોમાસાએ જોર પકડ્યું છે, જેના ભાગરૂપે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 14 તાલુકાઓમાં અડધા ઈંચથી લઈને અઢી ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ સુરત શહેરમાં નોંધાયો છે. આ ચોમાસુ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિક લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે, જ્યારે વહેલી સવારે કામ ધંધાર્થે નીકળતા લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Continues below advertisement

છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, સુરત શહેર બાદ તાપીના વાલોડમાં બે ઈંચ, જ્યારે સુરતના માંગરોળ અને કામરેજમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પલસાણામાં દોઢ ઈંચ અને અરેઠમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ અને નાનાપોંઢામાં એક-એક ઈંચ, જ્યારે તાપીના કુકરમુડા, બોટાદના રાણપુર, નવસારીના ચીખલી અને વલસાડના પારડીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને વલસાડ શહેરમાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

Continues below advertisement

દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ

મેઘરાજાનું જોર આજે વહેલી સવારે પણ યથાવત જોવા મળ્યું હતું. આજે સવારે 4 થી 6 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ 10 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ વહેલી સવારના ગાળામાં સુરતના માંગરોળ, સુરત શહેર અને કામરેજમાં ધોધમાર સવા ઈંચ વરસાદ ખાબકી ગયો હતો, જ્યારે સુરતના અરેઠમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા આ વરસાદને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.