ગાંધીનગર: રાજ્યમાં છ ઓક્ટોબરે ચોમાસુ વિદાય લેશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભેજવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.  બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા બે ટકા વધુ વરસાદ વરસ્યો છે. 


ઉકાઈ ડેમમાં 1 લાખ 45 હજાર ક્યુસેક પાણીની આવક


ઉપરવાસમાંથી સતત વરસાદના પગલે ઉકાઈ ડેમમાં 1 લાખ 45 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે.  ડેમનું રુલ લેવલ જાળવવા 11 દરવાજા 6 ફૂટ સુધી ખોલી તાપી નદીમાં  1 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડાયું.  નદી કાંઠાના લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.  સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 54 સેન્ટિમીટરનો વધારો થયો છે.  ડેમની જળસપાટી 127.70 મીટર પહોંચ. ઉપરવાસમાંથી 5 હજાર 805 ક્યુસેક પાણીની આવક થઈ છે. 


સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 3 તાલુકામાં વરસાદ



રાજ્યમાં સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 3 તાલુકામાં વરસાદ પડ્યો છે.  નવસારી, બારડોલી, અને પલસાણા તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. 


કચ્છમાં સીઝનનો 111 ટકા જેટલો વરસાદ


રાજ્યમાં ઝોન પ્રમાણ વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 113 અને કચ્છમાં સીઝનનો 111 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 92 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 83 ટકા વરસાદ પડ્યો છે. અમદાવાદ જિલ્લામાં સતત વરસાદને કારણે ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. જિલ્લાના ધોળકા તાલુકાના કેટલાંક ગામોમાં ડાંગરના પાકને વધુ નુકસાન થયું છે.


અમરેલી જિલ્લાના બાબરામાં કિસાન સંઘ દ્વારા મામલતદારને ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈને આવેદન અપાયું છે. અતિવૃષ્ટિને કારણે બાબરામાં ખેડૂતોને થયેલા નુકસાનનું SDRF અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સર્વે કરી વળતર આપવા રજુઆત કરાઈ છે.  42 દિવસ સુધી શરુઆતમાં નહીવત વરસાદ અને બાદમાં 120 ટકા વરસાદથી પાકને નુકશાન થયું છે. કપાસ,તલ,મગફળી,ડુંગળીને મોટું નુકસાન થયું છે.