Monsoon Update: ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 48 કલાકમાં કેરળમાં ચોમાસુ બેસી જશે. હવામ વિભાગ અનુસાર દક્ષિણ અરબી સમુદ્રના ભાગો અને લક્ષદ્વીપ વિસ્તારથી ચોમાસું આગળ વધી ગયું છે. બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.


દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો અને સમગ્ર લક્ષદ્વીપ વિસ્તાર અને માલદીવ અને કોમોરિન વિસ્તાર, દક્ષિણપશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડીના વધુ ભાગો, ઉત્તરપૂર્વીય બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો અને કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે પણ પરિસ્થિતિઓ અનુકૂળ છે.


વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની આગાહી


અંબાલાલ પટેલની આગાહીઃ અરબ સાગરમાં ઉત્પન્ન થયેલા ચક્રવાત અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર અરબ સાગરમાં મહાકાય ચક્રવાત બનશે. આ ચક્રવાતમાં પવનની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે. દરિયાથી 1 હજાર માઈલ દૂર સુધી ચક્રવાતની અસર જોવા મળી શકે છે. આ ચક્રવાત ઓમાન અથવા પાકિસ્તાન તરફ જઈ શકે છે.


આગાહી અનુસાર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ ચક્રવાતની વધુ અસર જોવા મળશે. ભાવનગરથી પોરબંદર અને કચ્છના દરિયા કિનારે આ ચક્રવાતની અસર થશે. આ ચક્રવાતના કારણે ચોમાસુ થોડું મોડું બેસી શકે છે.



હવામાન વિભાગની આગાહી


હવામાન વિભાગ અનુસાર બીપરજોય વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે અને અરેબિયન સી થી ઉત્તર તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું 2 કિમિ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે 8 જુનથી પવનની ગતિમાં વધારો થશે. આવતીકાલથી વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર અને ગુજરાત પર વર્તાશે. દરિયાઈ કાંઠે પવનની ગતિમાં વધરો થશે.









ગુજરાતનાં તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. નવલખી, વેરાવળ, માંગરોળ તેમજ કચ્છ સહિતના બંદરો પર સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. જ્યારે 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા નજીક પહોંચી શકે. 12, 13 અને 14 જૂનના સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. આ વાવાઝોડાને બાંગ્લાદેશે બિપોરજોય નામ આપ્યું છે. જેનો અર્થ આફત થાય છે. જો કે વાવાઝોડાની દિશાને લઈ 12-13 જૂન સુધીમાં ઓમાન તરફ ફંટાય એવી પણ શક્યતા છે. આ વાવાઝોડાની અસર સમગ્ર પશ્ચિમ ભારતના કાંઠે થશે. જ્યારે વાવાઝોડાને કારણે જ કેરળના દરિયા કાંઠે ચોમાસાને વિપરિત અસર થઈ હોવાનું અનુમાન છે. એટલું જ નહીં હવામાન વિભાગે કેરળના કાંઠે ચોમાસુ ક્યારે આવશે એ પણ સ્પષ્ટ નથી કર્યું.