મોરબીઃ મોરબીમાં પુલ હોનારતમાં 140થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક હજુ વધે તેવી આશંકા છે. એક સાથે 500થી 600 લોકો પુલ પર હોવાનો ઇજાગ્રસ્તોએ દાવો કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, મોરબીના ઝુલતા પુલ પર જવા માટે 650થી વધુ લોકોને ટિકિટ આપવામાં આવી હતી. બાળકો માટે 12 રૂપિયા અને પુખ્ત વયના લોકો માટે 17 રૂપિયા ટિકિટનો ભાવ વસૂલવામાં આવી રહ્યો હતો.






ફિટનેસ સર્ટિફિકેટ નહોતું લીધુ છતાંય પુલને શરૂ કરી રોકડીનો કારોબાર શરૂ કરાયો હતો. ઓરેવા નામની કંપનીના માલિકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ઝૂલતા પુલના રિનોવેશનની કામગીરી સાથે 15 વર્ષ માટે ઓરેવા કંપનીને પુલ સોંપવામાં આવ્યો હતો. ઓરેવા કંપનીએ ડંફાસ મારી હતી કે રિનોવેશન ખૂબ ચિવટથી કરવામાં આવ્યુ છે. દુર્ઘટનાના 14 કલાક બાદ પણ ઓરેવા કંપનીના માલિકો પકડાયા નથી. સ્ટેબિલિટી રિપોર્ટ સબમિટ કરાયા સિવાય પુલ શરૂ કરી દેવાયો હતો. પુલ પર ક્ષમતા કરતા વધુ લોકોને ટિકિટ વેચી પુલ પર જવા દેવામાં આવી રહ્યા હતા. આ મામલે હજુ સુધી ઓરેવા કંપનીએ કોઇ પ્રતિક્રિયા આપી નથી.






આ હોનારતમાં સાઅપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોરબી બી ડિવિઝન પોલીસે ખોટા ઇરાદા સાથે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. કલમ 304,308,114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઝૂલના પુલના મેનેજમેન્ટના મેનેજર, મેઇન્ટનેસ ટીમના મેનેજર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પુલનું યોગ્ય મેઇન્ટેનસ યોગ્ય રીતે કામગીરી ન કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલે તપાસ માટે પાંચ સભ્યોની કમિટીની રચના પણ ગુજરાત સરકાર દ્ધારા કરવામા આવી હતી. રેન્જ આઇજીની અધ્યક્ષતામાં ગુનાની તપાસ કરવામાં આવશે. દરરોજ સાંજે મુખ્યમંત્રીને તપાસનો અહેવાલ સોંપવામાં આવશે. 108 સેવાના પ્રોગ્રામ મેનેજર નિલેશ ભરપોડાએ જણાવ્યું કે, 130થી વધારે અસરગ્રસ્ત દર્દીઓને 108 સેવા દ્વારા ખસેડવામાં આવ્યા છે