Morbi Bridge Collapse Update: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી અને ઓરેવા ગ્રુપના જયસુખ પટેલના સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ જેલ હવાલે કરાયો હતો. જયસુખ પટેલના રિમાન્ડ દરમિયાન કઈ કઈ માહિતી બહાર આવી તે અંગે પોલીસ દ્વારા કંઈ જણાવાયું નથી. હવે પદાધિકારી કે અધિકરી આ ઘટનામાં જવાબદાર છે કે નહીં તે એક સવાલ છે.


જેલમાં જયસુખ પટેલને કઈ કઈ સુવિધાઓ મળશે ?


જેલમાં જયસુખ પટેલને કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યા છે. તેઓ બેરેકમાં 9 આરોપીમાંથી 2 આરોપી સાથે રહે તેવી શક્યતા  છે. બેરેકમાં ગાદલા, ગોદડા, ઓશિકા, કપડા અને જમવાનું ઘરેથી મળશે . બેરેકમાં એક ટીવી પણ રાખવામાં આવ્યું છે, એક ટેલિફોન છે જેમાંથી અઠવાડિયામાં 2 થી 3 વખત વાત કરી શકશે. દરરોજ ન્યુઝ પેપર વાચવા માટે  આપવામાં આવશે . ઉપરાંત પુસ્તક વાંચવા હશે તો તે પણ આપવામાં આવશે.


જયસુખ પટેલે કોર્ટમાં શું આપ્યું હતું નિવેદન


મોરબી બ્રિજ તૂટવાને લઈ આરોપી જયસુખ પટેલે કોર્ટમાં થોડા દિવસ પહેલા નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું, મોરબી બ્રિજ તૂટવાની ઘટનાનો અફસોસ છે. મોરબી બ્રિજની મરામતનું કામ કરવા માટે મને વગદાર લોકોએ કામ સોંપ્યું હતું. કોમર્શિયલ એક્ટિવિટી નો કોઈ ઈરાદો નહોતો, હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું.


રાજકોટના જામ ટાવરના મેન્ટેનન્સની જવાબદારી પણ સોંપાય છે. મૃતકો કે ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવાથી હું અન્ય જવાબદારીઓ કે કેસમાંથી છટકી નહીં શકું પરંતુ હું મારો યોગ્ય રીતે બચાવ કરવા માગું છું. 135 લોકોના જીવ જવાની ઘટના ઘણી દુખદછે પણ સ્વેચ્છાએ વળતર ચૂકવવા માગું છું.


કોર્ટે હુકમમાં શું નોંધ્યું હતું


કોટે પોતાના હુકમમાં નોંધ્યું કે વળતર ચૂકવવાથી પણ રેવન્યુ રાહે કે ક્રિમિનલ રાહે જયસુખ પટેલની સામે થયેલી કાર્યવાહી પર કોઈ અસર પડશે નહીં. તેની સામે જે જવાબદારીઓ ઊભી થઈ છે તે કાર્યવાહીઓ ચાલુ જ રહેશે.


ક્યારે બની હતી દુર્ઘટના


30 ઓક્ટોબર 2022ના રોજ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો, જેના કારણે 130થી વધુ લોકોનાં મોત થયા હતા. 19મી સદીમાં બંધાયેલો આ પુલ ચાર દિવસ અગાઉ સમારકામ માટે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ નવા વર્ષના દિવસે ફરીથી ખોલવામાં આવ્યો હતો.


ક્યારે બન્યો હતો આ પુલ


આ ઝૂલતા પુલનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી 1879ના રોજ, મુંબઈના એ વખતના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે કરાવાયું હતું. પુલના નિર્માણ માટે જરૂરી તમામ સામગ્રી ઇંગ્લૅન્ડથી આવી હતી અને નિર્માણ પાછળ એ વખતના 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. શહેરની મુલાકાત લેનારાઓનું સ્વાગત આ ઝૂલતો પુલ કરતો હતો અને એ વખતમાં એને 'કલાત્મક અને ટેકનૉલૉજિકલ ચમત્કાર' ગણાવાતો હતો.


આ ઝૂલતો પુલ 1.25 મિટર પહોળો હતો જ્યારે 233 મીટર લંબાઈ ધરાવતો આ પુલ દરબારગઢ પૅલેસ અને રાજવી નિવાસ નઝરબાગ પૅલેસને પણ જોડતો હતો. વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપથી આ પુલને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ પુલના નિર્માણ પાછળ સર વાઘજી ઠાકોર પર કૉલોનિયલ કાળના સ્થાપત્યો પ્રભાવ સ્પષ્ટ હતો અને એમણે એનાથી પ્રેરીત થઈને મોરબી શહેરના નગરનિર્માણને વેગ આપ્યો હતો. 1922 સુધી સર વાઘજી ઠાકોરે મોરબી પર રાજ કર્યું હતું.રાજાશાહી વખતના મોરબી શહેરના નગરનિયોજનમાં યુરોપિયન શૈલીનો પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાતો હતો. 'ગ્રીન ચોક' નામે જાણીતા શહેરના મુખ્ય ચોક તરફ ત્રણ અલગઅલગ દરવાજાથી પ્રવેશ કરી શકાતો હતો. આ ત્રણેય દરવાજાના નિર્માણમાં રાજપુત અને ઇટાલિયન શૈલીનું મિશ્રણ સ્પષ્ટ જોઈ શકાય છે. મોરબી જિલ્લાની વેબસાઇટ અનુસાર ઝૂલતો પુલ મોરબીના રાજવીની 'પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક અભિગમ'ને પ્રદર્શિત કરતો હતો.