મોરબીઃ મોરબીમાં ઓરેવા ગ્રુપની બેદરકારીના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. મોરબીના ઝૂલતા પુલ તૂટ્યાના લાઇવ દ્રશ્યો વાયરલ થયા છે. ઝૂલતો પુલ તૂટતાની સાથે અનેક લોકો પાણીમાં ગરકાવ થયા હતા. દુર્ઘટના સમયે કેટલાક લોકો જાળીમાં લટકતા જોવા મળ્યા હતા. ઓરેવા ગ્રુપના કરારની કોપી એબીપી અસ્મિતાના હાથમાં લાગી છે.



મોરબી દુર્ઘટનાને લઇ ઓરેવા ગ્રુપની કાળી કમાણીનો સૌથી મોટો પર્દાફાશ થયો હતો. ઓરેવા ગ્રુપની કરારની કોપી એબીપી અસ્મિતાના હાથમાં લાગી છે. એગ્રિમેન્ટમાં 12 વર્ષથી નીચેના બાળકો માટે 10 રૂપિયાનો ટિકિટનો દર નક્કી કરાયો હતો. કાળી કમાણી કરવા માટે ઓરેવા 12 રૂપિયા ઉઘરાવતું હતુ.


એગ્રીમેન્ટ મુજબ પુખ્ત વયના લોકો માટે ટિકિટનો દર 15 રૂપિયા રખાયો હતો. પરંતુ કાળી કમાણી કરવા ઓરેવા ગ્રુપ 17 રૂપિયા વસૂલતું હતું. મોરબી દુર્ઘટના પહેલા ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલે ડંફાસ કરી હતી કે બે કરોડના ખર્ચે ઝૂલતા પુલનું રિનોવેશન ચોક્સાઇ સાથે થયું છે.


ઉલ્લેખનીય છે કે મોરબી હોનારતમાં કોઇએ પોતાનો આખો પરિવાર ગુમાવ્યો છે. ખાનપુર ગામમાં છ નાગરિકોના મોતથી ગામ શોકમાં ડૂબ્યુ હતુ. એક બાળકી, બે યુવતી, એક મહિલા અને બે પુરુષના મોત થયા હતા. જાલી દેવાણી ગામમાં એક જ પરિવારના પાંચ બાળકો સહિત સાતના મોત થયા હતા. એક જ ગામના સાત નાગરિકોના મોતથી માતમનો  માહોલ જોવા મળ્યો હતો.


મોરબીમાં પુલ હોનારતમાં 140થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક હજુ વધે તેવી આશંકા છે. એક સાથે 500થી 600 લોકો પુલ પર હોવાનો ઇજાગ્રસ્તોએ દાવો કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, મોરબીના ઝુલતા પુલ પર જવા માટે 650થી વધુ લોકોને ટિકિટ આપવામાં આવી હતી. બાળકો માટે 12 રૂપિયા અને પુખ્ત વયના લોકો માટે 17 રૂપિયા ટિકિટનો ભાવ વસૂલવામાં આવી રહ્યો હતો.


ફિટનેસ સર્ટિફિકેટ નહોતું લીધુ છતાંય પુલને શરૂ કરી રોકડીનો કારોબાર શરૂ કરાયો હતો. ઓરેવા નામની કંપનીના માલિકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ઝૂલતા પુલના રિનોવેશનની કામગીરી સાથે 15 વર્ષ માટે ઓરેવા કંપનીને પુલ સોંપવામાં આવ્યો હતો. ઓરેવા કંપનીએ ડંફાસ મારી હતી કે રિનોવેશન ખૂબ ચિવટથી કરવામાં આવ્યુ છે. દુર્ઘટનાના 14 કલાક બાદ પણ ઓરેવા કંપનીના માલિકો પકડાયા નથી. સ્ટેબિલિટી રિપોર્ટ સબમિટ કરાયા સિવાય પુલ શરૂ કરી દેવાયો હતો. પુલ પર ક્ષમતા કરતા વધુ લોકોને ટિકિટ વેચી પુલ પર જવા દેવામાં આવી રહ્યા હતા. આ મામલે હજુ સુધી ઓરેવા કંપનીએ કોઇ પ્રતિક્રિયા આપી નથી.