મોરબી: નાની સિંચાઇ યોજનાના કામમાં કૌભાંડ મામલે કોંગ્રેસના MLAની અટકાયતની શક્યતા
abpasmita.in | 28 Oct 2018 02:22 PM (IST)
મોરબી: મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત તળાવ અને ચેકડેમ ઊંડા કરવાની કામગીરી અંતર્ગત 334 જેટલા કામ થયા હતા. જેમાં પૂર્વ નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા મંડળીઓને સાથે રાખી અંદાજે લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનામાં હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયાને રવિવારે સવારે પૂછપરછ માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા અને સમગ્ર કૌભાંડમાં તેની શું ભૂમિકા છે તે અંગે મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા, ડીવાયએસપી બન્નો જોશી દ્વારા તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં મોડી સાંજ સુધીમાં પરસોત્તમ સાબરીયાની અટકાયત થાય તેવી શક્યતા છે. આ અંગે જિલ્લા કોંગ્રેસમાં જાણ થતાં મોરબી, માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ટંકારાના ધારાસભ્ય લલીત કગથરા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલિયા સહિતના કોંગી કાર્યકરો એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.