મોરબીઃ કોરોનારૂપી કાળે અનેક મહિલાઓને વિધવા બનાવી દીધી છે. પરંતુ આ દરમિયાન મોરબીના સનાળા ગામાં કોરોનામાં પુત્રનું મોત થયા બાદ સાસરિયાએ પુત્રવધૂના ફરી લગ્ન કરાવીને નવો રાહ ચીંધ્યો છે. સાસરિયા દ્વારા પુત્રવધૂને પુત્રી તરીકે વિદાય આપીને 15 લાખની એફડી પણ કરાવી આપી હતી.


મોરબીના શનાળામાં માળિયા મોરબી ઉમિયા પરિવાર સમુહલગ્ન સમિતિની આગેવાનોની હાજરીમાં યોજાલા લગ્નમાં દીકરીના માતા-પિતા, સાસુ-સસરા તથા સામાપક્ષમાંથી પણ યુવકના અગાઉના સાસુ-સસરા હાજર રહ્યા હતા અને હાલની દીકરીના માતા-પિતા બનીને કન્યાદાન કર્યુ હતું. આમ આ લગ્ન વિધિમાં કન્યાદાન વખતે એક-બે નહીં પણ ચાર પરિવાર જોડાયો હતો. ખુદ સસરાએ જ પુત્રવધુના પિતા બની વિધિની જવાબદારી લીધી હતી અને 15 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરાવી હતી.


મોરબીની શનાળા ગામમાં રહેતા નરભેરામભાઈ ગોવિંદભાઈ ફૂલતરીયાના પુત્ર નીપુલનું કોરોનાથી મોત થયું હતું. જેના કારણે પુત્રવધુ ચંદ્રિકા નાની ઉંમરમાં જ વિધવા બન્યા હતા. પુત્રના મોતના દુખની સાથે પરિવારને પુત્રવધુ અને પૌત્રીની ચિંતા કોરી ખાતી હતી. જેથી તેમણે પુત્રવધુના પુનઃવિવાહ કરવાનું નક્કી કર્યું અને બીજી તરફ મહેન્દ્રનગર ગામમાં રહેતા જીતેન્દ્રભાઈની પત્નીનું પણ બીમારીના કારણે અવસાન થતાં તેઓ પણ તેમના પુત્રને માતાની હૂંફ આપી શકે તેવા પાત્રની શોધમાં હતા.


આ દરમિયાન મોરબી ઉમિયા પરિવાર સમુહલગ્ન સમિતિના ડો.મનુભાઈ કૈલા, કમલેશભાઈ કૈલા અને મહેશભાઈ સાદરીયાના પ્રયાસથી બંને યુગલના ફરીથી લગ્ન કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે દીકરીના લગ્નના માતા-પિતા જ કરાવતાં હોય છે પરંતુ ખુદ સાસુ-સસરાએ માતા-પિતા બની પુત્રવધુના લગ્ન કરાવ્યા હોય તેવી ઘટના ભાગ્યેજ બનતી હોય છે.




આ પણ વાંચોઃ દેહરાદૂનમાં કૂતરો બેઠો ભૂખ હડતાળ પર, જાણો વિગત


પરિણિતાને યુવક સાથે બંધાયા શરીર સંબંધ, પતિને જાણ થતાં પ્રેમિકાની મદદથી પત્નિ-પ્રેમીને કઈ રીતે ઉતાર્યાં મોતને ઘાટ ?