અમદાવાદઃ કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. 4 જૂનના રોજ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 492 કેસ નોંધાયા હતા. જે ગુજરાતમાં એક જ દિવસમાં અત્યાર સુધીના કોરોનાના સર્વોચ્ચે કેસની સંખ્યા છે. બીજી બાજુ ગુજરાતમાં 400થી વધારે કેસ નોંધાયા હોય તેવો આ છઠ્ઠી વખત બન્યું હતું. સાથે જ ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 18609 થઈ છે. ગુજરાતમાં 4 જૂનના રોજ વધુ 33 લોકોના મોત સાથે ગુજરાતમાં કુલ મોતની સંખ્યા 1155એ પહોંચી છે. જ્યારે ગુજરાતમાં 455 સહિત કુલ 12667 લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે.


આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામં આવેલી વિગતો અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૧ જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૨૯૧ કેસનો સમાવેશ થાય છે. આ સાથે જ અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૧૩૩૫૪ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકની આ સ્થિતિ પ્રમાણે અમદાવાદમાં પ્રત્યેક કલાકે સરેરાશ ૧૨ નવા કેસ નોંધાઇ રહ્યા છે તેમ કહી શકાય. જ્યારે ગુજરાતમાં પ્રત્યેક કલાકે 20 નવા કેસ નોંધાઈ રહ્યા છે.  આ સિવાય જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં ૮૧ સાથે સુરત, ૩૯ સાથે વડોદરા, ૨૧ સાથે પાટનગર ગાંધીનગરનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઉપરાંત મૃત્યુઆંકમાં વધારો પણ જારી રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 33 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ-28, બોટાદ, કચ્છ, પાટણ અને વલસાડમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1155 પર પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 12667 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 4779 એક્ટિવ કેસ છે જેમાં 68 વેલ્ટીલેટર પર છે અને 4711 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 33 હજાર 921 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં હજુ ૨,૨૦,૬૯૫ વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે. આ પૈકી ૨.૧૩ લાખ હોમ ક્વોરન્ટાઇન જ્યારે ૭૪૩૩ ફેસિલિટી ક્વોરન્ટાઇન છે.

ગુજરાતમાં છેલ્લા ૭ દિવસમાં કોરોનાના ૩૦૩૭ કેસ નોંધાઇ ચૂક્યા છે અને ૧૯૫ના મૃત્યુ થયા છે જ્યારે ૩૫૮૭૩ ટેસ્ટ થયા છે. આમ, ગુજરાતમાં પ્રત્યેક ૧૦૦ ટેસ્ટે કોરોના પોઝિટિવ આવવાનું પ્રમાણ ૮.૫૦%  છે. કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને છે.