રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં જળ ક્ષેત્રે 33 હજારથી વધુ કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં પાણી સંગ્રહ શક્તિમાં 32,948 લાખ ઘન ફૂટનો વધારો થયો હતો. છેલ્લા બે વર્ષમાં 9,381 કિ.મી.માં નેહરોની સાફ સફાઈ, 9480 તળાવોને ઊંડા, 7775 ચેકડેમ ડીસીલ્ટીંગના કામો તેમજ 1914 ચેકડેમ રિપેરિંગના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત વર્ષ 2024માં કુલ 7.49 લાખ માનવદીવસની રોજગારી ઉત્પન્ન થઇ હતી.

Continues below advertisement


એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે રાજ્યમાં જળ સંગ્રહ માટે ‘સુજલામ સુજલામ’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનના ફલશ્રુતિરૂપે છેલ્લા બે વર્ષમાં જળ ક્ષેત્રે 33 હજારથી વધુ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. ‘ખેતી માટે પાણી’ અને ‘ઘર- ઘર સુધી શુદ્ધ પેયજળ’ પહોચાડવાના ઉમદા આશયથી તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2003માં ‘સુજલામ સુફલામ’ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના આજે અન્ય રાજ્યો માટે આદર્શ મોડલ બન્યું છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર આ અભિયાનને મહાઅભિયાન બનાવી ‘જળ એ જ જીવન’ની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહી છે. વર્ષ 2023માં 23,725 અને વર્ષ 2024માં 9374 કામો એમ કુલ 33,099 કામો પૂર્ણ થયા છે.


ઉપરાંત વર્ષ 2023માં 21,425 લાખ ઘન ફૂટ અને વર્ષ 2024માં 11,523 લાખ ઘન ફૂટ એમ છેલ્લા બે વર્ષમાં કુલ 32,948 લાખ ઘન ફૂટ પાણી સંગ્રહ શક્તિમાં વધારો થયો છે. જ્યારે વર્ષ 2023માં 6765 કિ.મી. અને વર્ષ 2024માં 2616 કિ.મી. એમ કુલ મળીને છેલ્લા બે વર્ષમાં 9381 કિ.મી. નેહરો અને કાંસની સાફ સફાઈ કરવામાં આવી છે. વર્ષ 2023માં 7504 અને વર્ષ 2024માં 1976 એમ કુલ મળીને છેલ્લા બે વર્ષમાં 9480 તળાવોને ઊંડા કરાયા છે.


સાથે જ વર્ષ 2023માં 5159 અને વર્ષ 2024માં 2616 એમ કુલ મળીને છેલ્લા બે વર્ષમાં 7775 ચેકડેમ ડિસીલ્ટીંગના કામો થયા છે. જ્યારે વર્ષ 2023માં 1029 અને વર્ષ 2024માં 885 એમ કુલ મળીને છેલ્લા બે વર્ષમાં 1914 ચેકડેમ રિપેરિંગના કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે. આ અભિયાન થકી રાજ્યમાં સુકા પડેલા વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સમસ્યા હલ થવાની સાથે સાથે વર્ષ 2024માં 7.49 લાખ માનવદિનની રોજગારી પણ ઉત્પન્ન થઇ છે.