યુકેથી આવેલા અને કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત ચારેય દર્દીઓની તબિયત સ્થિર છે. ત્યારે લંડનથી આવેલા વધુ 400 મુસાફરોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાંથી આઠ મુસાફરોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોરોના પોઝિટીવ આવેલા આઠેય મુસાફરોમાં નવા સ્ટ્રેનની તપાસ માટે સેમ્પલ પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા છે.

જે આઠ લોકો પોઝિટીવ આવ્યા જે પૈકીના કેટલાક દર્દીઓને એસવીપીમાં દાખલ કરવામાં આવ્યા છે. તો અન્યને હોમ ક્વોરંટાઈન કરવામાં આવ્યા છે. આ તમામ દર્દીઓના બ્લડ સેમ્પલ પણ પૂણે વાયરોલોજી લેબમાં નવા સ્ટ્રેનની તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. અગાઉ 22 ડિસેમ્બરે લંડનથી આવેલી છેલ્લી ફ્લાઈટમાં જે ચાર લોકો પોઝિટીવ આવ્યા હતા તેમની તબિયત સ્થિર છે.

બીજી બાજુ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 715 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 4 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4318 પર પહોંચ્યો છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 2,47,228 પર પહોંચી છે.

રાજ્યમાં હાલ 9250 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,33,660 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 9189 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં ગઈકાલે કુલ 938 દર્દી સાજા થયા હતા અને 51,384 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 98,10,664 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.51 ટકા છે.