Panchmahal Rain: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં શનિવારે સવારે આભ ફાટ્યું હોય તેમ માત્ર ચાર કલાકમાં સાડા આઠ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં તો 7 ઇંચ વરસાદ પડતાં સમગ્ર હાલોલ જળબંબાકાર થઈ ગયું હતું. આ અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

Continues below advertisement

નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર

હાલોલના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. હાલોલ-વડોદરા રોડ પર ફાયર સ્ટેશન પાસે પણ પાણી ભરાતા વાહનવ્યવહારને ભારે અસર થઈ છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાવાને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. એક ઘટનામાં, વરસાદી પાણીમાં એક એસ.ટી. બસ ખોટકાઈ હતી, જેના કારણે તમામ મુસાફરોને બસમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી.

Continues below advertisement

પાણીના પ્રવાહમાં કાર તણાઈ

વરસાદી પાણીના ભારે પ્રવાહને કારણે હાલોલના દુનિયા ગામ નજીક એક કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિકોએ મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરી હતી અને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદ

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદ પડ્યો છે. મંદિર તરફ જવાના પગથિયાં પર પાણીનો ધોધ વહી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ દરમિયાન લોકો ફોટોગ્રાફીનો આનંદ માણતા પણ જોવા મળ્યા હતા.

દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ

તો બીજી તરફ દાહોદના ધાનપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધાનપુર સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધાનપુરના પીપેરો. વેડ, ખોખરા, કુદાવાડા, દુધામલી, વારસીયા  ગામોમાં વરસાદ ખાબક્યો હતો.

રાજ્યમાં ભારે વરસાદથી 169 માર્ગ બંધ

રાજયમાં વરસાદની આગાહી દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તા જળમગ્ન થતાં અને લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઇ જતાં રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. 

રાજ્યમાં ભારે વરસાદથી 169 માર્ગ બંધ કરવામાં આવ્યાં છે.  ત્રણ સ્ટેટ અને ત્રણ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યાં છે. હાલ પંચાયત હસ્તકના 160 માર્ગ બંધ છે. તો રાજ્ય સરકાર હસ્તકના ત્રણ અન્ય માર્ગ પણ બંધ છે. સૌથી વધુ નવસારી જિલ્લાના 32 માર્ગ બંધ કરાયા છે.  પોરબંદર જિલ્લાના 28, સુરત જિલ્લાના 22 માર્ગ બંધ બંધ છે.